વડોદરામાં ટ્રાફિક જવાનને પોલીસે ધમકાવ્યાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ટ્રાફિકજવાનને પોલીસે ધમકાવ્યા - ટ્રાફિક કોન્સ્ટેબલે પોલીસ કંટ્રોલરૂમમાં બંને પોલીસ કર્મીઓ વિરુદ્ધ જાણ કરી - ડીસીપી નોર્થ એ.જી. ચૌહાણે એસીપી સી ડિવિઝનને તપાસ સોંપી સરદાર એસ્ટેટ પાસે બેઝ અને પીયુસી વગરના રિક્ષા ચાલકને મેમો આપનાર ટ્રાફિક કોન્સ્ટેબલને કિશનવાડી પોલીસ મથકના ડી સ્ટાફના બે પોલીસ કોન્સ્ટેબલે રવિવારે સવારે ધમકાવ્યા હતાં. ટ્રાફિક કોન્સ્ટેબલે બનાવ અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતાં ડીસીપી ર્નોથે એસીપી સી ડિવિઝનને તપાસ સોંપી છે. ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ અનિલભાઇ મારુ પીએસઆઇના રાઇટર તરીકે ફરજ બજાવે છે. હાલ તેઓ સરદાર એસ્ટેટ પોઇન્ટ પર ઊભા રહી ટ્રાફિક નિયમન અને વાહન ચેકિંગનું કામ કરે છે. શનિવારે તેઓ ફરજ પર હાજર હતા ત્યારે મુસાફરો ભરેલી એક રિક્ષાને તેમણે અટકાવી હતી. રિક્ષા ચાલક કૌશિક પાસે તેમણે લાઇસન્સ, બેઝ અને પીયુસી માગ્યા હતા પરંતુ તેની પાસે બેઝ અને પીયુસી ન હતાં. તેમણે મેમો બનાવવાનું કહેતાં રિક્ષા ચાલકે કિશનવાડી પોલીસ મથકમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા જયંતીભાઇ તેમના સંબંધી હોવાનું કહ્યું હતું. જોકે, ફરજ પરસ્ત ટ્રાફિક કોન્સ્ટેબલે તેને મેમો ફટકારવાનું કહેતાં આખરે તેણે પાવતી બનાવવાનું કહ્યું હતું. ડી સ્ટાફના પોલીસ કર્મીઓની ઓળખાણની પરવા કર્યા વગર ટ્રાફિક કોન્સ્ટેબલે રૂા. ૭પ નો દંડ લીધો હતો. જેના કારણે ડી સ્ટાફના પોલીસકર્મી જયંતી ગોવિંદ છંછેડાયા હતાં. તેઓ આજે સવારે ડી સ્ટાફના જ પોલીસકર્મી કનુ છીતાને લઇને સરદાર એસ્ટેટ પોઇન્ટ પર મળવા ગયા હતાં. જયંતીભાઇએ મારા સંબંધીને દંડ કેમ ફટકાર્યો કહી તેમની સાથે ચડભડ કરી હતી. તેમણે તો હું ડી સ્ટાફમાં છું, તમને જોઇ લઇશ તેમ કહી ધમકાવતા ટ્રાફિક કોન્સ્ટેબલે પોલીસ કંટ્રોલમાં બંને ડી સ્ટાફના કર્મચારી વિરૂદ્ધ જાણ કરી છે. બનાવ અંગે ડીસીપી ર્નોથ એ.જી. ચૌહાણે જણાવ્યું હતું કે, મને ફરિયાદ મળતાં એસીપી સી ડિવિઝનને તપાસ સોંપી છે. બેઝ અને પીયુસી વગરના રિક્ષા ચાલકને મેમો ફટકારવાનું કહેતાં તેણે કિશનવાડી ડી સ્ટાફના જયંતીભાઇના સંબંધી હોવાનું કહ્યું હતું. મેં તેમને મેમો આપવાનું કહેતાં તેણે આખરે ૭પ રૂપિયા દંડ ભર્યો હતો. રિક્ષા ચાલકનું ઉપરાણું લઇને ડી સ્ટાફના જયંતીભાઇ અને કનુભાઇ મારી પાસે આવ્યા હતા. તેમણે મારા સંબંધીને કેમ છોડયો નહિ‌ તેમ કહી કિશનવાડીમાં તું કેવી રીતે નોકરી કરે છે તેવી ધમકી આપતાં મેં કંટ્રોલરૂમમાં જાણ કરી દીધી છે. (ટ્રાફિક કોન્સ્ટેબલ અનિલ મારુ સાથે ટેલિફોનિક વાતચીતના આધારે )