• Gujarati News
  • PI Son Biresh Chauhan Change Location Every Third Day Chupavanu Nankhato

PI પુત્ર બ્રિજેશ ચૌહાણ દર ત્રીજા દિવસે છુપાવાનુ સ્થાન બદલી નાંખતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાસાના હુકમ બાદ ફરાર થઇ ગયેલો જમીન માફિયા બ્રિજેશ ચૌહાણ દર ત્રીજા દિવસે છુપાવાનુ સ્થાન બદલી નાંખતો
- 46 દિવસ સુધી તેણે મુંબઇ, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં આશરો લીધો


પાસાના હુકમ બાદ ફરાર થઇ ગયેલો જમીન માફિયા બ્રિજેશ ચૌહાણ દર ૩ દિવસે જગ્યા બદલતો હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. ૪૬ દિવસ સુધી તેણે મુંબઇ, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં આશરો લીધો હતો. તેને આશ્રય આપનારા લોકોની સામે પણ કાર્યવાહી થાય તેવી વકી છે.

સિંધરોટ, ભાયલી અને જાસપુરના ખેડૂતોની જમીનનું બાનાખત કરવાના બહાને દસ્તાવેજ કરી ઠગાઇ કરનાર નિવૃત્ત પીઆઇ કાભઇ ચૌહાણના પુત્રો બ્રિજેશ અને જયવિજય સામે જિલ્લા કલેક્ટરે પાસાનો હુકમ કર્યો હતો. ભૂગર્ભમાં ઉતરી ગયેલા બ્રિજેશ સામે તાલુકા અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુના નોંધાયા હતા. ૪૬ દિવસ સુધી પોલીસને હંફાવ્યા બાદ બ્રિજેશે એકાએક હાઇર્કોટમાંથી પાસાના હુકમ સામેની પિટિશન પરત ખેંચી લઇ સરન્ડરના હાઇર્કોટના હુકમ સાથે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો હતો.

પોલીસે બ્રિજેશની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં મોકલી આપ્યો છે. પાસાના હુકમ બાદ ૪૬ દિવસ સુધી ફરાર થયેલા બ્રિજેશે મુંબઇ, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં આશરો લીધો હોવાની માહિ‌તી મળી છે. પોલીસથી બચવા માટે તે દર ૩ દિવસે જગ્યા બદલતો હતો. લકઝુરિયસ કારમાં જ તે મુસાફરી કરતો અને મોબાઇલ તેમજ સિમકાર્ડ પણ બદલતો રહેતો હતો. બ્રિજેશને પાસા થઇ હોવા છતાં તેને આશ્રય આપનારા લોકો સામે કાર્યવાહી કરવાની પણ તજવીજ શરૂ થઇ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સતત ૪૬ દિવસ સુધી ફરાર રહેનાર બ્રિજેશ ચૌહાણે જિલ્લા પોલીસ સમક્ષ સરન્ડર કર્યા બાદ તેની પૂછપરછમાં હજી સુધી તેને આશ્રય કોણે આપ્યો તે બાબત સ્પષ્ટ થઇ શકી નથી, પરંતુ તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે ત્યારે હવે તેની આ ગુનામાં જ્યારે ધરપકડ કરવામાં આવશે ત્યારે પોલીસ દ્વારા તેના આશ્રય સ્થાનો અંગેની તપાસ કરવામાં આવશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.