વડોદરામાં વેપાર-ધંધા શરૂ થતાં બજારોમાં ખરીદીનો ધમધમાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કારતક સુદ સાતમ ને શનિવારે શુભ મુહૂર્તમાં દુકાનો-ઓફિસો ખૂલી
-પહેલા જ દિવસથી બજારોમાં ભીડ જોવા મળી
કારતક સુદ-૭ ના શુભ દિને અને શુભ મુહૂર્તમાં શરૂ થતાં શહેરનાં બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો

વડોદરામાં વિક્રમ સંવત-૨૦૭૦ ના પ્રારંભ સાથે પાંચ દિવસ સુધી બંધ રહેલા વેપાર-ધંધા આજે શનિવારે કારતક સુદ-૭ ના શુભ દિને અને શુભ મુહૂર્તમાં શરૂ થતાં શહેરનાં બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો. એક તરફ ચાતુર્માસ પૂરા થવાને આડે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવાર બાદ બજારો પુન: શરૂ થતાં પહેલા જ દિવસથી બજારોમાં ભીડ જોવા મળી હતી.

નવા વર્ષની ઉજવણી તેમજ નવા વર્ષનું મુહૂર્ત કરીને શહેરના વેપારીઓ-વ્યવસાયિકો દ્વારા પાંચ દિવસ સુધી વેપાર-ધંધા બંધ કરી દેવાયા હતા. આ વર્ષે નવા વર્ષના પાંચમા દિવસ લાભ પાંચમે ભાગી તિથિ હોવા ઉપરાંત વેપાર-ધંધાના પ્રારંભ માટે શુભ મુહૂર્ત ન હોવાથી વેપાર-ધંધા શરૂ થઇ શક્યા નહોતા. જેથી આજે નવા વર્ષના સાતમા દિવસ એટલે કે કારતક સુદ-૭ ને શનિવારે સાતમ, ઉત્તરાષાઢા નક્ષત્ર, જલારામ જયંતીના શ્રેષ્ઠ યોગમાં વેપારીઓએ દુકાનો-સંસ્થાઓ, કારખાનાં-ફેકટરીઓ ખોલીને નવા વર્ષે વેપાર-ધંધાનો પ્રારંભ કર્યો હતો.

શનિવારથી વેપાર-ધંધા શરૂ થવા સાથે બજારો ખૂલી જતાં કારતક સુદ અગિયારસથી પ્રારંભ થઇ રહેલી લગ્નસરાની સિઝનની ખરીદી માટે શહેરીજનો તેમજ વડોદરા આસપાસના જિલ્લાઓના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જેથી શહેરના એમ.જી.રોડ, રાવપુરા રોડ, નવા બજાર, માંડવી રોડ, અલકાપુરી વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્સનાં બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો. બજારો ખૂલતાં જ પાંચ દિવસ સુધી સૂમસામ રહેલાં બજારોના માર્ગો ખરીદી માટે આવતાં લોકોની અવરજવરથી ભરચક બન્યા હતા. નવા વર્ષના પહેલા દિવસથી બજારો ગ્રાહકોની ચહલપહલથી પુન: જીવંત બન્યાં હોય તેવો માહોલ અનુભવાયો હતો.