પૂ.પદ્માનંદસૂરીશ્વરજી કાળધર્મ પામ્યા : આજે અંતિમ સંસ્કાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રી ધર્મમંગલ પાર્શ્વ વિહારધામ-ભાયલીના સ્થાપક અને પ્રેરક હતા: ૧૩ વર્ષની વયે દીક્ષા મેળવી હતી

વડોદરા પાસેના ભાયલી સ્થિત શ્રી ધર્મમંગલ પાર્શ્વ વિહારધામના સ્થાપક-પ્રેરક પૂ.આચાર્ય પદ્માનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબ શુક્રવારે મધરાતે નાદુરસ્ત તબિયતને કારણે મુંબઇ-ફોર્ટ ખાતે કાળધર્મ પામતાં જૈન સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

૬૧ વર્ષનો દીક્ષાપર્યાય ધરાવતા પૂ.આચાર્ય પદ્માનંદસૂરીશ્વરજી મહારાજ મુંબઇમાં ચાર્તુમાસ આરાધના કરી રહ્યા હતા. જે દરમિયાન છેલ્લા ૧પ દિવસથી નાદુરસ્ત તબિયત થતાં બોમ્બે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત રાતે ૨.૩૦ કલાકે ૭૪ વર્ષીય પૂ.આચાર્ય કાળધર્મ પામ્યા હતા. પૂ.આચાર્ય મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા હોવાની વાત વાયુવેગે મુંબઇ, સુરત, વડોદરા, અમદાવાદ સહિ‌ત વિવિધ શહેરો, નગરો અને ગામોમાં પ્રસરી જતાં જૈન સમુદાય શોકાતૂર બન્યો હતો.

મુંબઇ ખાતે તેમની પાલખી યાત્રા યોજાયા બાદ તેમના પાર્થિ‌વ દેહને પાલખીમાં આરૂઢ કરીને વડોદરા પાસેના ભાયલી જૈન ર્તીથધામ ખાતે લાવવાની તજવીજ હાથ ધરાઇ હતી.પૂ.યુગ દીવાકર આચાર્ય શ્રી ધર્મસુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય એવા પદ્માનંદસૂરિશ્વરજી મહારાજ પાદરા તાલુકાના ચમારા ગામના વતની હતા. તેઓએ ૧૩ વર્ષની વયે દીક્ષા મેળવી હતી.

૧૮ વર્ષ અગાઉ તેમણે આચાર્યની પદવી મળી હતી. એટલું જ નહીં વડોદરા પાસે ભાયલી ખાતે શ્રી ધર્મમંગલ પાર્શ્વ વિહારધામના નિર્માણ-સ્થાપના માટે તેઓ પ્રેરક હતા.કાળધર્મ પામનાર પૂ.આચાર્ય ભગવંતના પાર્થિ‌વ દેહને શુક્રવારે રાતે ભાયલી લાવવામાં આવ્યા બાદ શનિવારે સવારે ૮ વાગે ભાયલી ર્તીથ ખાતે અંતિમ સંસ્કાર કરાશે.

છેલ્લા ચાર્તુમાસ વડોદરા કોઠીપોળ જૈન સંઘમાં હતા
ભાયલી જૈનર્તીથધામના પ્રેરક-સ્થાપક પૂ.પદ્માનંદસૂરિશ્વરજી મહારાજ સાહેબનું છેલ્લું ચાર્તુમાસ વડોદરાના શ્રી કોઠીપોળ જૈન સંઘમાં શ્રી શાંતિનાથ દાદાની છાયામાં થયું હતું. તેઓ વિદ્ધાન હોવા ઉપરાંત શ્રેષ્ઠ વક્તા હોવાને કારણે ધર્મસભાઓમાં તેમનું પ્રવચન સાંભળવા જૈન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટતાં હતા.