લિફ્ટ લઈ બાઇકસવારને માર મારી લૂંટનાર ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપુરાઇ ચોકડી સુધીની લિફ્ટ લીધા બાદ બાઇકસવારની બાઇક, મોબાઇલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો.
મેડિકલ સ્ટોર ધરાવતા નવીનકુમાર કાંતિલાલ પ્રજાપતિ તા.૨૦મીના રોજ પ્રતાપનગર ત્રણ રસ્તા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા શખ્સે વાપી જવું હોઈ કપુરાઇ ચોકડી સુધીની લિફ્ટ માગતાં તેમણે આ શખ્સને લિફ્ટ આપી હતી. જોકે, વચ્ચે નર્ઝિન રસ્તો આવતાં જ લિફ્ટ લેનારા શખ્સે બાઇકની ચાવી કાઢી લીધી હતી અને ત્યાર બાદ બાઇકચાલકનો મોબાઇલ ફોન અને રોકડ ૬૦૦ની લૂંટ કરી હતી અને આ શખ્સ ફરાર થઇ ગયો હતો. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. પ્રદીપસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, લૂંટના ગુનામાં રોહિ‌ત ઉર્ફે મિન્ટુ સુભાષચન્દ્ર તિવારી (રહે.તરસાલી)ની સંડોવણી છે એટલે પી.એસ.આઇ. જયદીપ બારોટ સહિ‌તની ટીમે રોહિ‌ત તિવારીને ઝડપી પાડયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી રોહિ‌તે લૂંટના ગુનાની કબૂલાત કરી હતી કે, ૬૦૦ની રોકડ રકમ તેણે વાપરી નાખી છે, જ્યારે મોબાઇલ ફોન તેણે રિકશા ચલાવતા સાબિરને વેચી નાખ્યો હતો.પોલીસે મોબાઇલ ફોનની ખરીદી કરનાર શખ્સ પાસેથી મોબાઇલ ફોન કબજે કર્યો હતો જ્યારે બાઇક આરોપી પાસેથી જ મળી આવ્યું હતું. આરોપી રોહિ‌ત રેલવે સ્ટેશન ખાતે પાણીનાં પાઉચ વેચતો હોવાનું પણ ખૂલવા પામ્યું હતું.

અગાઉ હત્યાના ગુનામાં રોહિ‌તની ધરપકડ કરી હતી

લૂંટના ગુનામાં ઝડપાયેલા રોહિ‌ત ઉર્ફે મિન્ટુની પૂછપરછ કરવામાં આવતાં આ શખ્સ અગાઉ બાળકનું અપહરણ કરી તેના પર બળાત્કાર બાદ તેની હત્યાના બનાવમાં તેની ધરપકડ થઇ હોવાની પણ વિગતો સપાટી પર આવી હતી. ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૯માં વિશ્વાસ ઠાકોર, ગુલાબ દીવાન અને સુરેશ નામના શખ્સોએ એક સગીર બાળકીનું અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી બનાવમાં પોલીસે રોહિ‌ત ઉર્ફે મિન્ટુની ધરપકડ કરી હતી. આ ગુનામાં તે પાંચ વર્ષ સુધી જેલમાં રહ્યો હતો.