‘આંસુ લુછનાર કોઇ નથી, ગુજરાતમાં પૂરો થયો હવે દંભનો દસકો’

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોડેલીમાં કોંગ્રેસની આદિવાસી અધિકાર રેલીના સમાપનમાં રાજ્ય સરકારની આકરી ઝાટકણી

બોડેલી મુકામે આદિવાસી અધિકાર રેલીના સમાપન પ્રસંગે જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલા આદિવાસી સંમેલનમાં કોંગ્રેસના કર્ણધાર શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ગુજરાતની ભાજપ સરકારના વહીવટની આલોચના કરીને મુખ્યમંત્રી નરેન્દ્રમોદીના આપખુદ શાહી વલણ સામે તેજાબી ચાબખા માર્યા હતા. સંમેલનમાં મોટી સંખ્યામાં ભરબપોરે ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી અધિકાર યાત્રાના સમાપન પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, વર્તમાન સરકારમાં આદિવાસીઓ માટે પૂછનાર કે તેમના આંસુ લુછનાર કોઇ નથી.

ગુજરાતમાં હવે દંભનો દસકો પૂરો થયો છે. અગાઉ તાલુકા જિલ્લાનું વિસર્જન કર્યું હતું. તેમ જો કોંગ્રેસની સરકાર આવશે તો બોડેલીને જિલ્લો બનાવીશું. આદિવાસી બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવે તેની સરકાર જવાબદારી લેશે. તેથી ધો.૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહ મફતથી ગ્રાન્ટેડ શરૂ કરાશે. રેલ રાજ્યમંત્રી ભરતસિંહસોલંકીએ કહ્યું કે, કોંગ્રેસે અનામતની જોગવાઇ જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લઇને આદિવાસીઓને અધિકાર અપાવ્યા છે. તેથી આદિવાસીઓ પ્રગતિમાં ફાળો આપતા થયા છે. તેમને વધુમાં કહ્યું કે, છોટાઉદેપુર સુધી ડેમુ ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે.

માર્ગ-પરિવહન મંત્રી તુષાર ચૌધરીએ કહ્યું કે, કોંગ્રેસના રાજમાં આદિવાસીઓને ક્યારેય રેલી, આંદોલન કે ઉપવાસ કરવા પડ્યા નથી. વાપીથી અલિરાજપુર નવો નેશનલ હાઇવે નિર્માણ થશે. સિધ્ધાર્થ પટેલે કહ્યું કે, આદિવાસીઓની કોંગ્રેસે સતત ચિંતા કરીને મહત્વપૂર્ણ યોજનાઓ બનાવી છે.ગુજરાતમાં માત્ર ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓનું સાંભળવામાં આવે છે. નારાણ રાઠવાએ કહ્યું કે, કોંગ્રેસે શાળા-હોસ્પિટલો બાંધી પણ ભાજપ શિક્ષકો અને ડોક્ટરોની ભરતી કરતા નથી.


Related Articles:

કોંગ્રેસની સરકાર બનશે તો ૩ લાખને નોકરી અપાશે: શંકરસિંહ
મારે પણ મોદીની નાભિમાં બાણ મારવું પડશે: શંકરસિંહ
ભાજપ સરકાર કરોડપતિઓની સરકાર છે: શંકરસિંહ વાઘેલા
તો ૯૦ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડીશું: શંકરસિંહ
શંકરસિંહ વાઘેલાનું વચન: કોંગ્રેસ આવશે તો પેટ્રોલ-ડીઝલ મળશે સસ્તું