ભત્રીજાના કરતૂતથી મારો તો ધંધો ઠપ થઈ ગયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભત્રીજાના કરતૂત સામે કાકીનો પુણ્ય પ્રકોપ, કપિલ મેરે સામને આયેગા તો સબસે પહેલા ચાટા મેં હી મારુંગી

બાળાના અપહરણકર્તાનાં સંબંધીને પોલીસ મથકમાં હાજર રહેવું પડતું હોઈ રોજી છીનવાઈ

કપિલનું નામ સાંભળતાં જ કાકી સરિતાબહેન સમસમી ઉઠે છે

કપિલ જમવા આવ્યો ત્યારે તેના ચહેરા પર અપહરણ કર્યાના કોઈ ભાવ દેખાતા ન હતા

'કપિલ મારો સગો ભત્રીજો નથી પરંતુ મારા પતિના પિતરાઈ ભાઈનો પુત્ર છે અને ગામમાં અમે એક જ આંગણમાં રહેતા હતા. પરિચયાના કારણે તે અને તેનો ભાઈ રોજ બપોરે અને સાંજે અમારા ધાબા પર જમવા માટે આવતો હતો. મને ક્યારેય ખબર નહોંતી કે માસુમ દેખાતો કપિલ સાત વર્ષની બાળકીને ઉઠાવી જવાનું શેતાની દિમાગ ધરાવે છે. એણે તો જે કરવાનું હતું તે કર્યુ છે પરંતુ તેનાથી વિના કારણે મારા પરિવાર પર સંકટોનું આભ તૂટી પડયું છે. પોલીસ મથકમાં દિવસભર બેસી રહેવાના કારણે અમારો ધંધો રોજગાર ચાર દિવસથી બંધ થઈ ગયો છે અને હવે બે ટંકના ખુદ અમને ફાંફા પડી રહ્યા છે’ એમ છેલ્લા ચાર દિવસથી મકરપુરા પોલીસમથકમાં સવાર સાંજ ચક્કરો ખાઈને કંટાળેલી અપહરણકાર કપિલની કાકી સરીતાએ આજે પોલીસ મથકમાં ધ્રુસકે ધ્રુસકે રડતાં તેની યાતનાઓનો ચિતાર આપ્યો હતો.

મકરપુરા વિસ્તારની ૭ વર્ષી‍ય આફ્રિનનું ચાર દિવસ અગાઉ અપહરણ કરી ચાર ગયેલો બિહારી યુવક કપિલ મંડલના સગડ મેળવવા માટે મકરપુરા ગામ શાકમાર્કેટ પાસે તેના કાકા રામલાલ મંડલ અને કાકી સરીતાબહેનની રવિવાર સવારથી જ પોલીસ મથકે પૂછપરછ માટે લાવ્યા હતા અને ત્યારથી સરીતાબહેનને રોજ દિવસભર પોલીસમથકમાં વિતાવવો પડી રહ્યો છે. પિતરાઈ જેઠના પુત્રએ કરેલી હરકતોના કારણે રોજ પોલીસ મથકમાં હાજર રહેવાની 'અઘોષિત સજા’ ભોગવી રહેલા સરીતાબહેનના ચહેરો કપિલનું નામ સાંભળતાં જ સમસમી ઉઠયો હતો. પરિવારના ભત્રીજાઓને જમાડવાનો શું ગુનો છે ? તેવો સામો પ્રશ્ન પૂછતાં તે ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા.

સ્વસ્થ થતાં તેમણે જણાવ્યું હતું કે મારા પતિ અને હું મકરપુરા જીઆઈડીસીમાં બે વર્ષથી નાનું ધાબુ ચલાવીયે છે અને તેમાથી જે થોડી ઘણી આવક થાય છે તેનાથી અમારા ત્રણ સંતાનોનું ભરણપોષણ કરીયે છે. કપિલ અને કમલ પણ અમારા ધાબા પર રોજ બપોરે અને સાંજે જમવા માટે આવતા હતા.

ગત શનિવારે કપિલે આફ્રિનનું અપહરણ કર્યુ હતું અને ક્યાંક જતો રહ્યો હતો. રાબેતા મુજબ તે રાતે આઠ વાગે જમવા નહિ‌ આવતાં તેની થોડી વાર રાહ જોયા બાદ મેં ધાબુ બંધ કર્યુ હતું. સાફસુફી કરી હું ઘરે જવાની તૈયારી કરતી હતી તે જ સમયે નવ વાગે અચાનક કપિલ ધાબા પર આવ્યો હતો. જોકે ત્યારે પણ તેના ચહેરા પર અપહરણ કર્યુ હોવાના કોઈ ભાવ જણાતાં નહોંતા.

તેણે મને જમવાનું આપવા વિનંતીઓ કરતાં આખરે મેં મારા ભાણામાંથી તેને જમવાનું આપ્યું હતુ. ઘરે ગયા બાદ સવારે મકરપુરા પોલીસ મને અને મારા પતિને પોલીસ મથકે લઈ જતાં મને અપહરણના બનાવની જાણ થઈ હતી. માસુમ બાળાનું અપહરણ કરનાર કપિલ ક્યાં છે તેની ખબર નથી પરંતુ તેના કારણે મારુ પરિવાર બેહાલ થયું છે.

કપિલનો કોઈ પત્તો ના લાગે ત્યાં સુધી મને પોલીસ મથકમાં હાજર રહેવાની સૂચના હોઈ ચાર દિવસથી અમારુ ધાબુ બંધ છે. હું અહી અને મારા પતિ ઘરે અમારા ત્રણે સંતાનોને સંભાળી રહ્યા છે. આવક બંધ થઈ જતાં હવે બે ટંકના અમને પણ ફાંફા પડી રહ્યા છે. થોડા દિવસમાં બાળકોની સ્કુલ ચાલુ થવાની છે પરંતુ તેઓના ચોપડા અને યુનિફોર્મ લાવવાના હજુ બાકી છે. કપિલ જો મારી સામે આવશે તો તેને પોલીસ મથકમાં જ હું બધાની સામે થપ્પડ મારીશ... તેમ સરીતાબહેને હિ‌ન્દી-ગુજરાતી ભાષામાં રોષ પૂર્વક જણાવ્યું હતું.

મકરપુરા પોલીસ કપિલના ઘરે પહોંચી, તેનાં માતાપિતા પણ ફરાર

કપિલના સગડ મેળવવા માટે મકરપુરા પોલીસની એક ટૂકડી તેના ભાઈ કમલને લઈને ત્રણ દિવસ બાદ આજે સવારે તેના ગામમાં પહોંચી હતી. જોકે કપિલે તેની કરતૂતોની અને તેના ભાઈની પોલીસે અટકાયત કરી હોઈ તેઓ ઘરે આવતાં હોવાની તેના માતાપિતાને જાણ કરી ચેતવી દીધા હતા. વડોદરાથી આવેલી પોલીસ પોતાની પણ અટકાયત કરશે તેમ લાગતાં કપિલના માતાપિતા ગઈ કાલ રાતથી જ જ તેઓનું ઘર ખુલ્લું મૂકીને ફરાર થયા હતા. આ અંગેની અત્રે મકરપુરા પીઆઈ મોણપરાને જાણ કરાઈ હતી. ઉચ્ચાધિકારીઓના આદેશ મુજબ પોલીસ ટૂકડીને નવો આદેશ ના થાય ત્યાં સુધી નજીકના સ્થળે જ રોકાઈ રહેવાની સૂચના અપાઈ છે.

કપિલે સવારે ૭.૩૦ વાગે પુન: રૂબિનાને ફોન કરી ધમકી આપી

કપિલ પાસે હાલમાં૮૪, ૮પ અને ૯પથી શરુ થતી સિરીઝના ચારથી પાંચ સીમકાર્ડ છે. તે અલગ અલગ નંબર પરથી માત્ર રૂબિનાને ફોન કરીને પજવણી કરી રહ્યો છે. વાતચિત બાદ તે તુરંત ફોન સ્વીચઓફ કરી દેતો હોઈ તેનું ચોક્કસ લોકેશન મળી શકતું નથી. દરમિયાન આજે સવારે સાડા સાત વાગે તેણે અપહ્યુત બાળકીની મોટી બહેન રૂબિનાને ફોન કરી જણાવ્યું હતું કે તે જો પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેશે તો જ તે તેની બહેન તેને પાછી આપશે. રૂબિના કપિલનો ફોન આવતા જ ઉશ્કેરાઈને તેની સાથે વાત કરતી હોઈ પોલીસે રૂબિનાને કપિલ સાથે શાંતીથી વાત કરવા સમજાવી હતી. દરમિયાન રૂબિનાએ આજે સવારે કપિલને તેની જેવી ઈચ્છા હશે તેવું જ તે કરશે તેવી ખાત્રી આપતાં તેણે ત્યારબાદ આજે દિવસભર તેની હેરાનગતિ કરી નહોંતી.

કપિલ ઈંટાવામાં હોઈ તે બિહાર પહોંચ્યો છે કે કેમ તે અંગે દ્વિધા

કપિલે સવારે કરેલા ફોનની રૂબિનાએ તુરંત પોલીસને માહિ‌તી આપતાં પોલીસે કપિલના મોબાઈલ ફોન નંબરના આધારે તેના સીડીઆરની તુરંત તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન સવારે ફોન કરતી વખતે કપિલ ઉત્તરપ્રદેશના ઈંટાવામાં હોવાની વિગતો મળી હતી. ઉલ્લેખનીય છે કે અપહરણ બાદ કપિલનું લોકેશન રાજસ્થાનના કોટા અને સવાઈ માધવપુરમાં મળ્યું હતુ. જોકે બે દિવસ બાદ તેનું લોકેશન ઉત્તરપ્રદેશના ઈંટાવામાં મળતાં તે હજુ સુધી બિહાર ગયો જ નથી કે પછી બિહારથી અત્રે પરત આવી રહ્યો છે તે અંગે પોલીસ પણ દ્વિઘામાં પડી છે.

...અને પછી શરૂ થયો કપિલનો વેર લેવાનો કારસો..!
આઈસક્રીમ ખવડાવવાના બહાને ૭ વર્ષની બાળકીનું અપહરણ