કોંગ્રેસના કાઉન્સીલરનાં વૃદ્ધ માતા પર હુમલો થતાં દોડધામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છ યુવકોએ ઘરમાં એકલાં વૃદ્વા પર લૂંટના ઇરાદે હુમલો કર્યાની શંકા

મહાનગર સેવાસદનના વિરોધ પક્ષના પુર્વ નેતા અને કોંગી અગ્રણી ચિરાગ ઝવેરીના નિવાસસ્થાને શનિવારે રાતે ધસી ગયેલા છ અજાણ્યાં યુવકોએ ઘરમાં એકલા વૃદ્ધ માતા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ કરતાં દોડધામ મચી હતી. હુમલાના પગલે બુમરાણ મચાવતા તમામ હુમલાખોરો ફરાર થયા હતા. બનાવની જાણ થતાં ચિરાગ ઝવેરી ખાનગી કાર્યક્રમ છોડી ઘરે દોડી ગયા હતા અને આ અંગેની માંજલપુર પોલીસને જાણ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના માંજલપુર વિસ્તારની લાલબાગ સોસાયટીમાં રહેતા વિરોધ પક્ષના પુર્વ નેતા અને કોંગી અગ્રણી ચિરાગ ઝવેરી આજે રાતે ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. આશરે સાડા નવ વાગે તેમના ઘરે એક યુવક ગયો હતો અને તેણે ઘરમાં એકલા તેમની વૃદ્ધ માતા જયાબહેનને પહેલા શેઠ ઘરમાં છે ? તેમ પુછયા બાદ ચિરાગભાઈ છે? તેવું પુછયુ હતુ. જયાબહેને પુત્ર ઘરે નથી તેમ કહેતા તે યુવકે તેમની પાસે પાણી માગ્યું હતુ.

પાણી આપવા માટે જયાબહેન રસોડામાં જતાં જ યુવક તેમજ તેની સાથેના અન્ય પાંચ સાગરીત યુવકો જૈ પૈકીના ત્રણ જણાએ મોંઢા પર રૂમાલ બાંધ્યો હતો તેઓ અચાનક ઘરમાં ઘુસી ગયા હતા. તેઓએ જયાબહેનની પાછળ જઈ તેમને પકડીને અન્ય રૂમમાં લઈ જવાનો પ્રયાસ કરતાં જ જયાબહેને બચાવ માટે બૂમરાણ મચાવી હતી. બૂમરાણના પગલે ગભરાયેલા યુવકોએ તેમને છોડી દીધા હતા અને તે પૈકીના એકે તેમના પગમાં થાપાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચાડી તમામ દોડતા ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.

બૂમરાણ સાંભળીને ઘરે દોડી ગયેલા પાડોશીઓએ આ બનાવની ચિરાગભાઈને જાણ કરતાં તે તુરંત ધરે દોડી ગયા હતા. આ બનાવની પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા જાણ કરાતાં માંજલપુર પોલીસ પણ ધટનાસ્થળે આવી પહોંચી હતી. જયાબહેનને વધુ ઈજા ન હોઈ તેમને હોસ્પિટલમાં ખસેડવાના બદલે તબીબને ઘરે બોલાવીને સારવાર શરુ કરાઈ હતી. કોંગી અગ્રણી ચિરાગ ઝવેરીના વૃધ્ધ માતા પર હુમલો અને કથિત લુંટના પ્રયાસના બનાવથી રાજકીય બેડામાં પણ ચકચાર જાગી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.