૨૦ દિવસમાં મલેરીયાના ૨૦૦ અને કમળાના ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૦ દિવસમાં મલેરીયાના ૨૦૦ અને કમળાના ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા
૨૦ દિવસમાં મલેરિયાના ૨૦૦ પોઝિટિવ અને ઝેરી મલેરિયાના પ કેસ નોંધાયાં
ચોપડે નોંધાતા આંકડા જોઇ આરોગ્ય વિભાગે તકેદારીનાં પગલાં શરૂ કર્યા


વડોદરા: શહેરમાં ૨૦ દિવસમાં ૧૬ ડેન્ગ્યૂ પોઝિટિવ કેસ તેમ જ કમળાના ૨૬ કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગત વર્ષે ઓગસ્ટ માસ સુધીમાં પોઝિટિવ ડેન્ગ્યૂના ૩૭ કેસ પોઝિટિવ હતા જ્યારે ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં ૨૦ કેસ નોંધાયા છે. જોકે ચાલુ વર્ષે માત્ર ૨૦ જ દિવસમાં ડેન્ગ્યૂના ૧૬ કેસ પોઝિટિવ મળતાં તંત્રની દોડધામ વધી જવા પામી છે. આરોગ્ય વિભાગે આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરતાં વિવિધ વિસ્તારોમાં દવાના છંટકાવ અને પાણીના શિુદ્ધ- કરણની કામગીરી હાથ ધરી છે.સેવાસદનના આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષે મલેરિયાના કુલ પોઝિટિવ કેસ ૨,૩૨૦ હતા અને ઝેરી મલેરિયાના કુલ ૪૬પ કેસ હતા જેની સામે ચાલુ વર્ષે જુલાઈ સુધીમાં પોઝિટિવ મલેરિયાના ૬૦૪ કેસ છે જ્યારે ૨૭ કેસ ઝેરી મલેરિયાના નોંધાયા છે.

છેલ્લા ૨૦ દિવસમાં મલેરિયાના સરેરાશ ૨૦૦ પોઝિટિવ અને ઝેરી મલેરિયાના પ કેસ નોંધાયા હતા જે પૈકી નાગરવાડા તેમજ નવાયાર્ડ વિસ્તારમાં મલેરિયાના કેસ વધુ જોવા મળ્યા છે. તદ્ ઉપરાંત હાલમાં જાણે ડેન્ગ્યૂનો વાવર ચાલી રહ્યો હોય તેમ છેલ્લા ૨૦ દિવસમાં ૧૬ જેટલા પોઝિટિવ ડેન્ગ્યૂના કેસ નોંધાયા હતા. જે પૈકી મોટાભાગના કેસ અટલાદરા અને માંજલપુર વિસ્તારમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ૧૬ કેસ પૈકીના ૮ કેસ અટલાદરા વિસ્તારના જોવા મળ્યા હતા. ગત વર્ષે ડેન્ગ્યૂના પોઝિટિવ કેસ ૨૮૩ હતા જ્યારે ચાલુ વર્ષે ૨૦ જેટલા કેસ પોઝિટિવ મળ્યા છે. ચિકનગુનિયાના ગત વર્ષે શંકાસ્પદ ૧પ૪ કેસ અને પોઝિટિવ ૬૦ કેસ નોંધાયા હતા જ્યારે ચાલુ વર્ષે ૨૭ કેસ શંકાસ્પદ જે પૈકી ૧પ કેસ પોઝિટિવ નોંધાયા હતા. જોકે છેલ્લા ૨૦ દિવસમાં ચિકનગુનિયાનો કેસ ન નોંધાતાં આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો છે.

ગત વર્ષ કરતાં બીમારીઓનું પ્રમાણ ઓછું
હાલમાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મલેરિયા વગેરે જેવા રોગોનો વાવર ગત વર્ષની સરખામણીમાં ઘણો ઓછો છે. ગત વર્ષની આંકડાકીય વિગતો જોઈએ તો ગત વર્ષ કરતાં બીમારીઓનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. હાલમાં શહેરમાં આરોગ્યલક્ષી કામગીરીઓ જેવી કે દવાઓના છંટકાવ તથા વિવિધ વિસ્તારોમાં પાણીની સ્વચ્છતા વગેરે બાબતોની કામગીરી આરોગ્ય વિભાગ કરી રહ્યો છે. - ડો. દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અધિકારી, વડોદરા

મારે શું તકેદારી રાખવી?
મચ્છરજન્ય રોગોથી બચવા ઘર- ઓફિસ વગેરે સ્થળો પર ખરાબ તેમજ ચોખ્ખા પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ
ડેન્ગ્યૂના મચ્છર દિવસે કરડતા હોય છે અને વધુ ઊંચે ઊડી શકતા નથી તેથી પગમાં મોજાં અને સંપૂર્ણ બોડી કવર થાય તેવાં કપડાં પહેરવાં જોઈએ.
તાવ, માથાનો દુ:ખાવો, ઠંડી લાગવી વગેરે જેવાં લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
કમળાથી બચવા બહારનું ખાવાનું ન લેવું તથા પાણી પણ ઉકાળીને અથવા ફિલ્ટર વોટર પીવું .
તદ્ ઉપરાંત કોલેરાની રસી પણ હવે ઉપલબ્ધ છે તથા વધુમાં હાથ વારંવાર ધોવા જોઈએ.
ઘરની બારીઓને નેટ વડે બંધ રાખવી જેથી મચ્છરને અંદર આવતાં રોકી શકાય
ઘરની આસ-પાસ ડીડીટીની દવાઓનો છંટકાવ કરવો જોઈએ
(ડો. હિ‌તેન કારેલિયા, ઇન્ફેકશ્યિશ ડિઝીઝીસ સ્પિેશયાલિસ્ટના જણાવ્યા મુજબ)