તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂમાફિયાએ પડાવેલી કરોડોની જમીન ખેડૂતોને પરત મળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નિકુંજ ભટ્ટ અને મિનેષ પટેલે ખરીદેલી જમીનની એન્ટ્રી રદ
- છેતરપિંડી અને કાયદાકીય ખામીઓના મુદ્દે કલેકટરે વેચાણની ફેરફાર નોંધ રદ કરવાનો આદેશ કર્યો

ઊંડેરાના ખેડૂતોને છેતરી કરોડો રૂપિયાની જમીન મફતમાં પડાવી લેવાના નિકુંજ ભટ્ટ અને મિનેષ પટેલના કારસાને ફોક કરવા કલેકટરે આ જમીનની ખરીદીની નોંધ રદ કરવાનો આદેશ કર્યો છે. ભૂમાફિયાઓએ મફતમાં પડાવેલી ૨૦ કરોડની બજાર કિંમતની જમીન ખેડૂતોને પરત મળશે. આ કિસ્સામાં એક સર્વે નંબરના બદલે ખેડૂતોને છેતરી ભૂમાફિયાઓએ ખેડૂતના નામે ચાલતા તમામ ૭ સર્વે નંબરની જમીનો લખાવી લીધી હતી. કલેકટરે છેતરપિંડી અને કાયદાકીય ખામીઓના મુદ્દાને આગળ ધરી સુઓમોટો રિવિઝનમાં લીધેલ વેચાણની ફેરફાર નોંધ રદ કરવાનો આદેશ કર્યો હતો.


ઊંડેરાના સર્વે નંબર ૪૯૪/૧ની ૧૬૧૯ ચો.મી. જમીન ખેડૂત ભાઈલાલભાઈ સોમાભાઈ ચૌહાણ પાસેથી ૪પ લાખમાં વેચાણ રાખવા માટે નિકુંજ ભટ્ટ અને મિનેષ પટેલે સોદો કર્યો હતો. આ સોદામાં દસ્તાવેજ કરવાનું નક્કી કરી આ એક જમીનના બદલે ખેડૂત ભાઈલાલભાઈ ચૌહાણની માલિકીના અન્ય સર્વે નંબર પ૨૯, પ૪૦, પ૪૧, પ૪૩/૧, પ૪૩/૨ અને પ૨૭/૨નો પણ દસ્તાવેજમાં ઉલ્લેખ કરી દેવામાં આવ્યો હતો. આ તમામ જમીન કે જેની જંત્રી પ્રમાણેની કિંમત પણ ૨.૯પ કરોડ થાય છે તે જમીનો ૮૦ લાખમાં વેચાણ રાખવાનો દસ્તાવેજમાં ઉલ્લેખ કરી ખેડૂતોને માત્ર રૂા. ૧૮.૮૦ લાખ જ ચૂકવ્યા હતા.

આ કિસ્સામાં બંને ભેજાબાજોએ ખેડૂતોને અંધારામાં રાખી ૨૦ કરોડની જમીન બારોબાર લખાવી લેતાં પોલીસ ફરિયાદ પણ થઈ હતી. જ્યારે આ બંનેને પાસા પણ કરવામાં આવી હતી. દરમ્યાન ખેડૂતોને છેતરવાના આ કિસ્સામાં ૭/૧૨ના ઉતારામાં પડેલી ફેરફાર નોંધ ૨૭૪૦ને કલેકટરે સુઓમોટો રિવિઝનમાં લીધી હતી. જેમાં ખેડૂતો સાથે છેતરપિંડી ઉપરાંત જમીન મહેસૂલી કાયદાનો ભંગ થયેલો જણાતાં આ નોંધ રદ કરવાનો કલેકટરે હુકમ કર્યો હતો. જેના કારણે હવે ૨૦ કરોડની બજાર કિંમતની જમીન ખેડૂતોને પરત મળશે.

દસ્તાવેજ મિનેશના સગાના નામે હતો

ખેડૂતોની જાણ બહાર કરાયેલ દસ્તાવેજને લઈ ભવિષ્યમાં સમસ્યા ઉભી થાય તો કાયદાકીય રીતે છટકવા ભેજાબાજોએ તકેદારી રાખી હતી. જેથી આ જમીન પોતાના નામે ખરીદવાના બદલે મિનેશના સંબંધી શારદાબેન મહીજીભાઈ પટેલના નામે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જેઓએ પણ કબૂલાત કરી હતી કે આ જમીનમાં કોઈ અવેજ આપ્યો નથી કે તેમને કોઈ જાણ નથી.

નિકુંજ ભટ્ટ એટલે બ્રિજેશનો સાગરીત

ખેડૂતોને છેતરી જમીનો મફતમાં પડાવી લેતી સક્રિય ભૂમાફિયાની ગેંગમાં નિકુંજ ભટ્ટને બ્રિજેશ ચૌહાણનો સાગરીત ગણવામાં આવતો હતો. આવા ખેડૂતોને ભોળવી તેમની જમીનો બ્રિજેશને અપાવવામાં નિકુંજની મહત્ત્વની ભૂમિકા રહી હતી. જેના કારણે જ પોલીસ સમક્ષ સરન્ડર થયેલ બ્રિજેશ રડમશ થઈ પોતાને ફસાવવા માટે નિકુંજને જવાબદાર ઠેરવતો હતો.