હવે મોદીનો ભય નથી !, હોય તો આવું કેમ બન્યું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઇબ્રન્ટ સમિટમાં ભાજપનો એક પણ કોર્પોરેટર ના ગયો
રાજ્યની ભાજપ સરકાર દ્વારા ઔધ્યોગિક વિકાસને વેગ આપવા માટે યોજાતી વાઈબ્રન્ટ સમિટમાં હાજરી આપવાની તૈયારી દર્શાવનાર મોટાભાગના કોર્પોરેટરો આજે હાજર રહ્યા ન હતાં. સેવાસદનના ભાજપના ૬૪ કોર્પોરેટરો પૈકી આજે માત્ર ૨ કોર્પોરેટરો વાઈબ્રન્ટમાં જવા માટે સેવાસદનમાં આવ્યા હતા. જેઓએ પણ એકલા જવાની ના પાડતા કોર્પોરેટરો માટે બોલાવેલી બસ લીલા તોરણે પાછી મોકલવાની ફરજ પડી હતી.
ભાજપમાં મોદીનો પ્રભાવ સર્વત્ર જોવા મળે છે. નરેન્દ્ર મોદીના આ પ્રભાવમાં પક્ષમાં સતત સક્રીય રહેવાનો તમામ કાર્યકરો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રયાસ કરતા હોય છે. પરંતુ સેવાસદનના કોર્પોરેટરો માટે જાણે આ બાબત ખોટી સાબિત થતી હોય તેમ લાગી રહ્યું છે.
ભાજપ માટે રાજ્યમાં પ્રતિષ્ઠાનું કારણ બનેલ વાઈબ્રન્ટ સમિટમાં ભાજપના કોર્પોરેટરો પણ જાય તે માટે આજે સેવાસદનથી એક બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગઈકાલે તમામ કોર્પોરેટરોને પૂછવામાં આવતાં લગભગ ૩૦ જેટલા ભાજપના કોર્પોરેટરોએ વાઈબ્રન્ટ સમિટમાં જવા માટેની તૈયારી દર્શાવી હતી.
પરંતુ આજે સવારે સેવાસદનમાં ભાજપના માત્ર બે કોર્પોરેટરો જ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર ૩ના યોગેશ મુક્તિ અને અશોક પરદેશી સિવાય એક પણ કોર્પોરેટર હાજર નહીં રહેતાં આ બંનેએ પણ વાઈબ્રન્ટમાં નહીં જવાનો નિર્ણય કર્યો હતો.જેથી બસને લીલા તોરણે પાછી મોકલવાની ફરજ પડી હતી. જેના પગલે હવે ભાજપના કોર્પોરેટરોમાં ક્યાં તો મોદીનો ભય નથી રહ્યો અથવા તો ફરી ટિકિટ નથી જ મળવાની તે નક્કી હોવાનું ચર્ચા સ્થાને રહ્યું હતું.
૨૦ હજારનો ખર્ચ પણ માથે પડ્યો
રાજ્ય સરકાર આયોજિત વાઈબ્રન્ટ સમિટમાં જવા માટે તૈયારી દેખાડનાર ભાજપના ૩૦ કોર્પોરેટરો માટે સેવાસદન દ્વારા બસ અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ વાઈબ્રન્ટ સમિટમાં જવા માટે ભાજપના કોર્પોરેટરો હાજર નહીં રહેતાં સેવાસદને પ્રજાના વેરાના રૂપિયામાંથી કરેલ રૂ. ૨૦ હજારનો ખર્ચ માથે પડ્યો હતો.