• Gujarati News
  • Including Two Crocodile And Cobra Snakes Caught 7 Latest News

પૂરના પાણીમાં આવેલા બે મગર અને કોબ્રા સહિ‌તના ૭ સાપ પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કમાટીબાગમાં ૧૧ ફીટ અને ૯ ફીટના બે મગર પકડી લેવામાં આવ્યા તેની તસવીર)
પૂરના પાણીમાં મગર-સાપ સહિ‌તના જીવો બહાર નીકળ્યા

વડોદરા:
વિશ્વામિત્રીમાં પૂરના પાણીમાં મગર અને સાપ સહિ‌તના સરિસૃપો બહાર આવી રહ્યા છે. કમાટીબાગમાંથી બે મગર પકડાયા હતા, જ્યારે સમા-સાવલી રોડ અને હરણી રોડ પરથી ઘરોમાં ઘૂસી ગયેલા કોબ્રા સહિ‌તના સાપને પણ પકડવામાં આવ્યા હતા. શહેરમાં પૂરનાં પાણીમાં મગર જોવા મળતાં સ્થાનિકોએ વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરોને જાણ કરી હતી પણ મગર ફરીથી પાણીમાં જતાં પકડી શકાયા ન હતા. ગુરુવારે સાંજે કમાટી બાગમાં આવેલા મ્યુઝિયમ નજીક ફાઉન્ટેન પાસે ૧૧ ફૂટનો મગર હોવાની જાણ વન વિભાગને કરાતાં અધિકારીઓ અને ક્રોકોડાઇલ એકસપર્ટ રાજુભાઇ વ્યાસ અને એનિમલ એકિટવિસ્ટ્સ કમાટીબાગમાં જઈ મગર પકડયો હતો.
સાંજે પાંચ વાગ્યાના અરસામાં કમાટીબાગના વાનર ખાના નજીક પૂરના પાણીમાં સાડા આઠથી નવ ફૂટનો મગર હોવાનો સંદેશો મળતાં ડીએફઓ વી.કે.સકસેના અને આરએફઓ સગુણાબેન અને પી.બી.ચૌહાણ સહિ‌તનો સ્ટાફ અને રાજુભાઇ વ્યાસે તે મગર પકડયો હતો. જ્યારે અકોટામાં સામ્રાજ્ય બિલ્ડિંગ નજીક, સિદ્ધાર્થ બંગલોઝ પાસે ખેતરમાં તથા માંજલપુરના કંચનનગર પાસે અને ફાઇન આર્ટ્સ પાસે પાણીમાં મગર હોવાના કોલ વન વિભાગને મળ્યા હતા પણ કાર્યકરો-અધિકારીઓની જહેમત પછી પણ મગર ફરી પાણીમાં ઘૂસી જતાં મગર પકડી શકાયા ન હતા. આ ઉપરાંત વન વિભાગ અને એનિમલ એકિટવિસ્ટ દ્વારા હરણી રોડ પર નવાનગરમાં ઘરમાં ઘૂસી ગયેલા કોબ્રા તથા અભયાનંદ સોસાયટી પાસેથી એક સાપ અને સમા સાવલી રોડ પર સિદ્ધાર્થ બંગલોઝમાં મકાનમાંથી સાપ, અજિતાનગરમાંથી બે પાટલા ઘો, શિવમ એપાર્ટમેન્ટ નજીક બે વાઇપર સાપ પકડાયા હતા.

કમાટીબાગમાં સાબરખાના પાસે હજુ પણ મગર
કમાટીબાગમાં ગુરુવારે બે મગર પકડવામાં આવ્યા હતા પણ સાબરખાના પાસે ભરાયેલા અઢીથી ત્રણ ફૂટ પાણીમાં બે મગર જોવા મળ્યા હતા. વન વિભાગે બંને મગરને પકડવાની કોશિશ કરી હતી પણ પાણી વધુ હોવાથી બંને મગરને પકડવામાં સફળતા મળી ન હતી. આથી શુક્રવારે પાણી ઓસર્યા બાદ આ સ્થળે મગર પકડવાની કામગીરી કરવાનો નિર્ણય વન વિભાગના અધિકારીઓએ કર્યો હતો.