• Gujarati News
  • Hospitals Option Will Searching For Seva Sadan's Workers

સેવાસદનના કર્મીઓને હોસ્પિટલ્સના વિકલ્પ વધશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સેવાસદનની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ ફોર્મ ભરીને આપવાનાં રહેશે

સેવાસદનના કર્મચારીઓ, પેન્શનરો અને તેમનાં પરિવારજનોને સેવાસદને માન્ય કરેલા ખર્ચે રજિસ્ટર્ડ હોસ્પિટલમાં સારવાર કરાવી શકે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવતાં તેનો લાભ ટૂંક સમયમાં મળે તેવું ચિત્ર ઉપસ્યું છે.

શહેર વિસ્તારના વધતા વ્યાપને ધ્યાનમાં લેતાં સેવાસદનના કર્મચારીઓ, પેન્શનરો અને તેમનાં આશ્રિત કુટુંબીજનો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીને તેમના વિસ્તારમાં તબીબી સેવાઓ-સારવાર મળી રહે તે માટે વખતોવખત આજદિન સુધીમાં કુલ ૧૬ હોસ્પિટલોને માન્યતા આપવામાં આવેલી છે. આ હોસ્પિટલોમાં મેડિકલ કાર્ડ ધરાવતા સેવાસદનના કર્મચારીઓ, પેન્શનરો, કુટુંબીજનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને કેશલેસ પદ્ધતિથી સારવાર મળી રહે છે. જ્યારે, રોકડમાં તબીબી ભથ્થું મેળવતા કર્મચારી, પેન્શરોને માત્ર ઇન્ડોર સારવારનો લાભ મળે છે.

મેડિકલ રિએમ્બર્સમેન્ટની કામગીરી ઝડપથી અને સરળ બનાવવાના હેતુસર સેવાસદને પોતાનું ચાર્જ લિસ્ટ તૈયાર કર્યું છે. સેવાસદને હાલની ૧૬ હોસ્પિટલોને માન્યતા આપી છે ત્યારે વધુ હોસ્પિટલોને કેશલેસ પદ્ધતિથી માન્યતા આપવાની કવાયત કરી છે. જેથી, સંબંધિત કર્મચારી કે પેન્શનર કે તેમનાં કુટુંબીજનો પોતાના રહેઠાણ નજીકની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલે જે નોંધણી કરાવી હશે તો ત્યાં કેશલેસ પદ્ધતિથી સારવાર કરાવી શકશે. સેવાસદનનો ચાર્જ તેની વેબસાઇટ ઉપર પ્રસિ‌દ્ધ કરેલું છે ત્યારે તે મુજબના દર મુજબ પોતાનો મેડિકલ સ્ટોર ધરાવતી હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ, લેબોરેટરી માન્યતા મેળવવા માગતી હોય તો વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ અરજીપત્રક ભરવાનું રહેશે.

સેવાસદનના ભાવે સારવાર માટે કોણ તૈયાર થશે?

સેવાસદને તેનુ ચાર્જલિસ્ટ નિયત કરેલુ છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં કન્સ્લટીગ ચાર્જ ૩૦૦ થી પ૦૦નો હોય છે તો સારવારના દર પણ જુદા જુદા છે. સેવાસદનના કર્મચારીઓને સારવારનો લાભ કેશલેસ પધ્ધતિથી મળી રહ્યો છે પરંતુ આ દરે કેટલી હોસ્પિટલો તૈયાર થશે તે અંગે તંત્ર પણ રજિસ્ટ્રેશન ઉપર જ આધારિત રહ્યુ છે. આથી નિર્ણય વાસ્તવિકતામાં કેટલો અસરકારક બનશે તે એક સવાલ છે.