કેન્સર ડેના બે દિવસ પૂર્વે ગુટખા હજી જાહેરમાં વેચાય છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એસટી ડેપો અને યુનિ.માંથી ગુટખાનાં ખાલી પાઉચ મળ્યાં
- ફેઈથ ફાઉન્ડેશન અને એલએલબીના છાત્રો દ્વારા થયેલો સરવે


ગુટખા-તમાકુ જેવા વ્યસનના વિરોધમાં જાગૃતિ ફેલાવવા ક્ષેત્રે સક્રિય શહેરની સ્વૈચ્છિક સંસ્થાએ હાથ ધરેલા સરવેમાં ગુટખા પર પ્રતિબંધ છતાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. જેમાં વડોદરા એસ ટી ડેપો અને એમ એસ યુનિવર્સિ‌ટીમાંથી માત્ર ચાર કલાકમાં જ ગુટખાના ૧૮૦ ખાલી પાઉચ મળી આવ્યાં હતા. જે દર્શાવે છે કે, લોકો હજી પણ પ્રતિબંધ હોવા છતાં પુષ્કળ પ્રમાણમાં ગુટખા આરોગી રહ્યાં છે અને તેનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે.

ગુટખા પર પ્રતિબંધના કાયદાની અસરકારકતા ચકાસવા મહારાજા સયાજીરાવ યુનિવર્સિ‌ટીના એફવાય એલ એલબીના વિદ્યાર્થીઓ અને ફેઈથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા.૧થી ૩ ફેબ્રુઆરી દરમિયાન ૧પ૦ લોકોનો પાઈલોટ સરવે કરવામાં આવ્યો હતો. આ સરવે દરમિયાન ૧૦ વિદ્યાર્થીઓ દ્વારા ૨જી ફેબ્રુઆરીના રોજ ૧૧થી ૩ દરમિયાન એસટી ડેપો અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિ‌ટીના કેમ્પસમાં ગુટખાના ખાલી પાઉચની તપાસ કરતા ચાર કલાકમાં જ ૧૮૦ પાઉચ મળી આવ્યાં હતા.

ફેઈથ ફાઉન્ડેશન આ બાબતની જાણ જિલ્લા આરોગ્ય તંત્ર અને ર્કોપોરેશનના આરોગ્ય વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિ.ના સત્તાધિશો અને એસટી વિભાગને લેખિતમાં કરશે. પાઈલોટ સરવેમાં વિગતો બહાર આવી છે કે, ૮૪„ લોકોને ગુટખા પ્રતિબંધની જાણકારી હતી, ૭૦„ લોકોના મતે ગુટખા પરનો પ્રતિબંધ નિષ્ફળ રહ્યો છે. જેના કારણોમાં લોકોએ ગુટખાના કાળાબજાર, અપૂરતા સ્ટાફ અને કાયદાની છટકબારીને જવાબદાર ઠેરવ્યાં છે. સરવેમાં લગભગ ૭૦„ વ્યકિતઓએ ગુટખા ક્યાં મળે છે તેનો જવાબ હામાં આપ્યો હતો.

તંત્રના આંખ આડા કાનથી વેપલાને પ્રોત્સાહન

ગુટખા પ્રતિબંધને પાંચ મહિ‌ના જેટલો સમય થવા આવ્યો છે છતાં ગુટખા વેચાય છે. સરવેમાં પણ ૭૦„ લોકોને જાણ છે કે ગુટખા ક્યાં મળે છે પણ જે કચેરીઓ અને અધિકારીઓને આ અંગેની કાર્યવાહી કરવાની સત્તા છે તે સરિયામ નિષ્ફળ રહ્યાં છે તે પછી કોઈ કારણસર આંખ આડા કાન કરીને આ ગેરકાયદે વેપલાને પ્રોત્સાહન આપી રહ્યાં છે.

જાણકારી જ નહીં પીઆઈએલ કરીશું

ગુટખા પર પ્રતિબંધ છતાં આજે પણ ગુટખા વેચાય છે તેની આ સરવે સાબિતી છે. અમે આ બાબતની જાણ સબંધિત તંત્રોને કરી છે પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં હવે અમે ટૂંક સમયમાં આ મુદ્દે પીઆઈએલ કરીશું. - અનંત ક્રિશ્યન, પ્રમુખ, ફેઈથ ફાઉન્ડેશન.