વડોદરામાં ગ્લેન મેકગ્રાથે પ્રશાંતને તાલીમ આપી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં ક્વોલિટી પેસ બોલર તૈયાર થાય તે માટે એમઆરએફ પેસ ફાઉન્ડેશન દ્વારા પેસ બોલર્સને તાલીમ અપાય છે. તાજેતરમાં ચેન્નઈ ખાતે યોજાયેલ એમઆરએફ પેસ ફાઉન્ડેશન ટ્રેનિંગ કેમ્પમાં શહેરના બોલર પ્રશાંત સોલંકીની પસંદગી થઈ હતી. કેમ્પમાં પ્રશાંતે પેસ બોલર્સમાં આઈડિયલ ગણાતા એવા લાઈન લેન્થના શહેનશાહ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન પેસ બોલર ગ્લેન મેકગ્રાથના માર્ગદર્શનમાં તાલીમ મેળવી છે.

બાલભવનથી ક્રિકેટ કરિયરની શરૂઆત શરૂ કરનાર અને બીસીએ અંડર ૨પના ખેલાડી પ્રશાંત સોલંકી તાજેતરમાં જ અઢી મહિ‌નાની તાલીમ લઈ શહેરમાં પરત ફર્યો છે. આ કેમ્પમાં દેશના વિવિધ રાજયોના સિલેક્ટેડ પેસ બોલરને તાલીમ આપવામાં આવી હતી. તાલીમનો પ્રથમ પડાવ પૂર્ણ થઈ ગયો છે. જ્યારે દ્વિતીય પડાવ માટે ૧૦ દિવસનો વિરામ મળ્યો છે. કેમ્પનું સમાપન સપ્ટેમ્બરમાં થશે. તાલીમના પ્રથમ પડાવ માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિ‌નામાં યોજાયેલ ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે વિવિધ ક્રિકેટ એસોસિએશન દ્વારા સિલેકટ થયેલા પ્લેયર્સને ચાન્સ મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી માત્ર પ્રશાંત સોલંકીની જ પસંદગી થઈ હતી.

ટ્રાયલ્સ બાદ ફાઈનલ સિલેકશન થયું હતું. જેમાંથી સમગ્ર ઈન્ડિયામાંથી ૧પ ખેલાડીઓને પંસદ કરાયા. ૧પ ખેલાડી પૈકીના ૧૧ ખેલાડી ગત વર્ષે કેમ્પમાં ભાગ લઈ ચુકેલા હતા. જ્યારે આ વર્ષે ૪ ખેલાડીઓ સિલેક્ટ કરાયા છે. ૧પ ખેલાડીઓમાં ટીમ ઈન્ડિયામાંથી રમી ચૂકેલા વરૂણ આરોન પણ ભાગ લઈ રહ્યાં છે. કેમ્પના બીજા સેશનમાં પણ ગ્લેન મેકગ્રાથ જ ટ્રેનિંગ આપશે.