માંજલપુર કોતર તલાવડીમાં પાણીનાં કનેક્શન કપાતાં ઘર્ષણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રહીશોની સેવાસદનની ટુકડી સાથે તડાફડી
- પોલીસ બંદોબસ્ત વચ્ચે પીવીસીનાં ૨પ૦ કનેકશનો કાપી નખાયાં


માંજલપુર કોતરતલાવડી વિસ્તારમાં ૪૦ જેટલી વસાહતોમાં પીવીસીના પાણીના કનેકશનો છે અને તે ગેરકાયદે હોવાના આક્ષેપો થયા હતા. આ વસાહતોમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનુ પાણી દુષિત આવતુ હોવાની ફરિયાદો ઉઠી હતી અને વસાહતમાં ૧પ૦૦ પ્રતિ જોડાણની સરકારી સ્કીમ મૂકવામાં આવી હતી.

કોતરતલાવડીની શિવરામનગર, બહુચરનગર, જલારામ, શિકોતરનગર સહિ‌તની દશ જેટલી વસાહતમાં સેવાસદનના દક્ષિણ ઝોનની ટેકનિકલ ટુકડી આજે સવારે પીવીસીના પાણીના કનેકશન કાપવા માટે ત્યાં દોડી ગઇ હતી. હાલમાં અનેક વસાહતમાં પાણીના ટેન્કર મોકલાય છે. પણ આટલો જથ્થો પૂરતો ન હોવાથી રહીશોને વધારાનો પાણીનો પુરવઠો રીતસરનો ખરીદવો પડી રહ્યો છે અને તેના માટે પાણીના જગ મંગાવવામાં આવી રહ્યા છે.

આ મામલે, સ્થાનિક રહીશોની સેવાસદનની ટેકનિકલ ટુકડી સાથે શાબ્દિક તડાફડી થઇ હતી અને એક તબક્કે મામલો બેકાબુ બને તેવા એંધાણ વર્તાયા હતા. જોકે, સેવાસદને અગમચેતીરૂપે લોખંડી સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરાવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખતા પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ રહી હતી.

સેવાસદનના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર નવેન્દુ પરીખે જણાવ્યું હતું કે, કોતરતલાવડી વિસ્તારમાં વર્ષો જૂની ૨૦૦ ડાયાની પાણીની લાઇન છે. આ વિસ્તારમાં ડહોળુ પાણી આવતુ હોવાની ફરિયાદો હતી અને આજે પાણીના પીવીસીના ૨પ૦ કનેકશનો કાપી નખાયા હતા. આ ઝુંબેશ યથાવત્ રાખીને વધુ ૨પ૦ જોડાણો કાપી નખાશે.