તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિખ્યાત દુકાનોની મીઠાઈ- ખીરામાં માખી અને મંકોડા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-૨૧૦ કિલો મીઠાઇ, ૪૦૦ લિટર દૂધનો નાશ
-રસઆનંદ સ્વીટ માર્ટમાંથી દુધમાંથી માખી મળી
-મહાકાળી હલવાવાળાને ત્યાં ખીરુમાં માખી-મંકોડા મળ્યાં

દિવાળીના તહેવારોમાં શહેરીજનો આરોગ્યને હાનિકારક મિઠાઇ-ફરસાણ ના આરોગે તે માટે સેવાસદનની ખોરાક શાખાએ શરૂ કરેલા સપાટામાં અકોટાની મિઠાઇની બે દુકાનોમાંથી ૨૧૦ કિલો મિઠાઇ અને ૪૦૦ લિટર દુધ ઢોળી દઇને તેનો સ્થળ ઉપર નાશ કર્યો હતો.દિપાવલી પર્વ નિમિત્તે શહેરમાં મિઠાઇ-ફરસાણની ખરીદી ધીમે ધીમે શરૂ થઇ છે અને આગામી બે દિવસમાં ખરીદીનુ ઘોડાપૂર નીકળશે તે નક્કી છે.

આ સંજોગોમાં,શહેરીજનોના પેટમાં ભેળસેળવાળી મિઠાઇ-ફરસાણ જાય નહીં તે માટે સેવાસદનના આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારની મિઠાઇ-ફરસાણની દુકાનોમાં ચેકીંગ શરૂ કર્યુ છે અને તેમાં જાણીતી દુકાનોમાં પણ સપાટો બોલાવવામાં આવી રહ્યો છે અને નવાઇની વાત તો એવી છે કે કેટલીક નામાંકિત દુકાનોમાં આરોગ્યને નુકશાન થાય તેવી મિઠાઇ મળી આવતા તેનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાનમાં,શહેરના અલકાપુરી અને અકોટા વિસ્તારની પાંચ દુકાનોમાંથી કેસરી વટી, કેસરી કતરી, કોપરાપાક, ઘી અને હલવાના નમૂના લઇને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. ખાસ કરીને, દિનેશ મિલ પાછળ આવેલા ગોખલેબાગના ૨૧ નંબર સ્થિત રસ આનંદ સ્વીટ માર્ટમાં ફુડ ઇન્સ્પેકટરોએ કરેલા ચેકીંગમાં દુધ અને મિઠાઇમાં માખી પડેલી જણાઇ આવતા તેઓ ચોંકી ઉઠયા હતા. રસ આનંદ સ્વીટ માર્ટમાં કાજુ કતરી માવો અને કોપરા પાકના માવા સહિ‌ત ૧૦૦ કિલો અખાદ્ય મિઠાઇ અને ૪૦૦ લિટર દુધને સ્થળ ઉપર જ ઢોળી દેવામાં આવ્યો હતો.

આ સિવાય, અકોટાની મહાકાળી હલવાવાળા નામની દુકાનમાથી પણ હલવા, આરારૂટનુ ખીરુ, મેંદો, ખાદ્યતેલ અને બદામની કતરીના સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં, ખીરામાં માખી અને આસપાસ મંકોડા હોવાનુ જણાઇ આવતા ફુડ ઇન્સ્પેકટરોએ ૪૦ કિલો બોમ્બે હલવો, ૪૦ કિલો મેંદો, ૪૦ કિલો ખીરુ ,મિઠાઇ મળી કુલ૧૧૦ કિલો મિઠાઇ અને રો મટિરીયલન્સનો નાશ કરવામાં આવ્યો હતો.આ તમામ મિઠાઇની દુકાનના સંચાલકોને સ્વચ્છતા જાળવવા માટે નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવી હતી.