ફિલ્મી સ્ટાઈલે ‘સત્તા’એ પિસ્તોલની અણીએ પ હજાર માગી બાઇક છિનવી'તી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારસિયામાં કાર-બાઇક સળગાવવા મામલે સતિષ ઉર્ફે સત્તા સહિ‌ત ૩ની ધરપકડ
તપાસમાં ઘટસ્ફોટ થતાં ખંડણી અને આમ્ર્સ એક્ટનો ગુનો નોંધાયો
વારસિયામાં બૂટલેગરની કાર અને વેપારીની બાઇક સળગાવવાના પ્રકરણમાં બે શખ્સની ધરપકડ બાદ નવો વળાંક બહાર આવ્યો છે. સતીષ ઉર્ફે સત્તોએ પિસ્તોલની અણીએ વેપારી પાસે પ હજારની ખંડણી માગી તેની બાઇક પડાવી લીધી હતી. બાઇકને ખુલ્લા મેદાનમાં સળગાવી દીધા બાદ તેના મિત્ર અને બૂટલેગર લાલુ સિંધીની કારને પણ આગચાંપી દીધી હતી. સિટી પોલીસે બંનેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે મુકેશ હરજાણીના પન્ટર સતીષ ઉર્ફે સત્તોને પણ ડીસીબીએ ઝડપી પાડતા ધરપકડનો આંક ૩ પર પહોંચ્યો છે.
બનાવ અંગેની વિગતો અનુસાર વારસિયાના અજન્ટા એપાર્ટમેન્ટમાં રહેતા પાનની દુકાન ધરાવતા નરેશ ઉર્ફે સોનુ નારાયણદાસ મંગતાણીની બાઇક અને તેમના મિત્ર તેમજ બૂટલેગર લાલુ સિંધીની કારને કુખ્યાત મુકેશ હરજાણીના પન્ટર સતીષ ઉર્ફે સત્તો શંકરલાલ મોહનાની અને તેના પાંચ સાગરિતોએ સળગાવી દીધા હતાં. દારૂના ધંધાની હરિફાઇમાં વાહનો સળગાવ્યા હોવાની આશંકા વચ્ચે પોલીસે રવિ ઉર્ફે કાલિયો અને કુમાર ગોરધન લાલવાણીની ધરપકડ કરી હતી. બંનેની પ્રાથમિક પૂછતાછમાં સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે.
ગત મંગળવારે રાત્રે વેપારી નરેશ ઉર્ફે સોનુ વારસિયાના જે.કે.કોર્નર પાસે બાઇક લઇને ઊભા હતા ત્યારે સતીષ ઉર્ફે સત્તો તેના પાંચ સાગરિતો સાથે આવ્યો હતો. તેણે વેપારીને પિસ્તોલ તાકી પ હજાર રૂપિયાની ખંડણી માગી હતી. વેપારીએ રૂપિયા નહિ‌ હોવાનું કહેતા બળજબરીથી બાઇક લઇ જઇ હરિસેવા સ્કૂલ પાસેના ખુલ્લા મેદાનમાં સળગાવી દીધી હતી. આ ઉપરાંત તેના મિત્ર લાલુ સિંધીની કારને પણ આગ ચાંપી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. બંનેની કબૂલાત બાદ વેપારીએ કેફિયત કરતા સિટી પોલીસે ખંડણી અને આમ્ર્સ એક્ટના ગુનાનો ઉમેરો કરી કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.
બીજીબાજુ પ્રકરણમાં ફરાર સતીષ ઉર્ફે સત્તો શંકરલાલ મોહનાની, દિલીપ ઉર્ફે બંટી રાજેન્દ્ર સિંધી અને રવિ શ્રીચંદ રોજવાણી પૈકી સતીષ ઉર્ફે સત્તાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા. અંગ જડતી દરમિયાન તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.