• Gujarati News
  • Fitness Certificate Will Get To Traveller In Sayaji Hospital From Thursday

ગુરુવારથી સયાજી હોસ્પિટલમાં યાત્રીઓને ફિટનેસ સર્ટિ‌. મળશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અમરનાથની યાત્રાના રજિસ્ટ્રેશન માટે આવેલા ફિટનેસ સર્ટિ‌.ના ઈશ્યૂનો ઉકેલ
- દરરોજ ૧૦૦ જેટલા અમરનાથયાત્રામાં જવા ઇચ્છુકોના હેલ્થ ચેકઅપ કરી યાત્રાળુઓને સર્ટિ‌. અપાશે
- જરૂર નહીં હોય તેવા યાત્રાળુઓના ઇકો અને ટ્રેડમિલ ટેસ્ટ નહીં થાય તે અંગે સયાજી સત્તાધિશો આખરે સંમત


બર્ફાની બાબાના દર્શન માટે અમરનાથ જનારા શ્રદ્ધાળુઓ માટે આખરે તંત્ર દ્વારા ફિટનેસ સર્ટિ‌ફિકેટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. સયાજી હોસ્પિટલમાં જ દરરોજ ૧૦૦ જેટલા અમરનાથયાત્રામાં જવા ઇચ્છુકોના હેલ્થ ચેકઅપ કરવામાં આવશે.

આજે અમરનાથયાત્રાના સંચાલકો સાથે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, મેડિકલ કોલેજના પ્રોફેસર્સ અને રેસિડન્ટ મેડિકલ ઓફિસરની બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાત્રા સંચાલકોએ ઇકો અને ટ્રેડ મિલ ટેસ્ટનો જોરદાર વિરોધ કર્યો હતો. પણ મેડિસિન વિભાગના એચઓડીએ આ બંને ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે યાત્રા સંચાલકોએ અન્ય શહેરોમાં આવા ટેસ્ટ થતાં ન હોવાથી વડોદરામાં પણ આગ્રહ ન રાખવો જોઈએ તેવી મક્કમ રજૂઆત કરતાં છેવટે સયાજી હોસ્પિટલના સત્તાધિશો દ્વારા ઇકો અને ટ્રેડમિલ ટેસ્ટ નહીં થાય તેવું નક્કી કર્યું હતું. હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડો.રાજીવ દેવેશ્વરે જણાવ્યું કે, ગુરુવારથી હેલ્થ ચેકઅપ અને ફિટનેસ સર્ટિ‌ફિકેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ માટે ત્રણ ડોક્ટર્સ ઉપરાંત સિસ્ટર્સ અને સહાયકોની નિમણૂક કરવામાં આવશે. ગુરુવારે સવારે ૮ વાગ્યાથી ટીબીના વોર્ડની ઉપરના ભાગે ફિટનેસ સર્ટિ‌ફિકેટ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેમાં બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ કરાશે. જેને ડાયાબિટિસ હશે તેમને કઈ કઈ દવાઓ લેવી તે અંગેનું માર્ગદર્શન અપાશે. ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલ ખાતે ૨૦૦૦ જેટલા અમરનાથયાત્રાળુઓ ફિટનેસ સર્ટિ‌ફિકેટ લે તેવી શક્યતા છે.

અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશન અને ફિટનેસ સર્ટિ‌ અંગે જનમત

સર્ટિ‌.ના નિયમની ખબર નથી :


આ વર્ષે રજિસ્ટ્રેશન ફોર્મની સાથે હેલ્થ ફિટનેશ સર્ટિ‌ફિકેટ સામેલ કરવાના નિયમની ખબર જ નહોતી. સરકારી હોસ્પિટલનું સર્ટિ‌ફિકેટ માન્ય રાખવાનો નિયમ બદલવો જોઇએ. - તરૂણ રાવ, યાત્રાળુ-ભાદરવા

યુવકોને સર્ટિ‌.ની શું જરૂર છે?

ફિટનેશ સર્ટિ‌ફિકેટના નિયમથી યાત્રાળુઓને હાલાકી થશે. સિનિયર સિટિઝન માટે ફિટનેશ સર્ટિ‌ફિકેટ હોય તે સમજી શકાય. પરંતુ યુવકોને વળી ફિટનેશ સર્ટિ‌ફિકેટની શું જરૂર છે? - હર્ષદ રાઠોડ, યાત્રાળુ, હરિનગર-ગોત્રી

રજિસ્ટ્રેશન માટે હોસ્પિટલના ધક્કા

ગયા વર્ષ સુધી કોઇ સર્ટિ‌ફિકેટ માંગવામાં આવતું નહોતું. આ વર્ષે હેલ્થ સર્ટિ‌ફિકેટનું નવું તિકડમ્ યાત્રિકોને પરેશાન કરશે. યાત્રાળુઓને હોસ્પિટલના ધક્કા થશે. - અલ્પેશ ઘાડગે, યાત્રાળુ

પ૦નું રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવીશ?

હું લતીપુરા ગામથી પ૦ લોકોને લઇને અમરનાથની યાત્રાએ જવાનો છું. આ વર્ષે એકસાથે પ૦ લોકોનું ચેકઅપ અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવીશ? તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે. - અતુલ પટેલ, યાત્રાળુ, લતીપુરા

યાત્રા માટે તારીખ મુજબ રજિસ્ટ્રેશન

રજિસ્ટ્રેશન માટેના ૪૪૦૦ ફોર્મ આવ્યા છે. યાત્રા માટે તારીખ મુજબ રજિસ્ટ્રેશન થશે. યાત્રાળુ જો રજિસ્ટ્રેશન કરાવીને જશે તો ૧ લાખનું વીમા કવચ મળશે. - શશીકુમાર શર્મા, બેંક મેનેજર