વડોદરા: કોલેજ વાનમાં આગ લાગી, ત્રણ વિદ્યાર્થી સહિત ચારનો બચાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: વાન સળગ્યા બાદની તસવીર)
વડોદરા: છાણી ગામમાં તળાવ પાસે શનિવારે બપોરના સુમારે કોલેજના વિદ્યાર્થીઓને લઈને જતી મારૂતિ વાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા દોડધામ મચી હતી. બનાવમાં ત્રણ વિદ્યાર્થી તથા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, છાણીના દ્વારકેશનગરમાં ગોપાલભાઈ સોમાભાઈ દવે રહે છે. તેઓ સ્કૂલવર્ધી મારી પોતાનું જીવન ગુજારે છે. શનિવારે બપોરે બાર કલાકે તેઓ છાણી ગામમાં રહેતા અને વાઘોડિયાની પારૂલ ઈન્સ્ટીટ્યૂટમાં ડિપ્લોમા ઈન એન્જીનીયરીંગમાં અભ્યાસ કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓ ચિન્તન પટેલ, માર્ગેશ પટેલ, સેતુલ પટેલને લઈ છાણીથી વાઘોડિયા જઈ રહ્યા હતા. દરમ્યાન એ જ સમયે અચાનક છાણી ગામ તળાવ પાસે કાલકા મંદિર પાસે મારૂતિ વાન પહોંચી એ સાથે જ મારૂતિવાનના નીચેના ભાગમાં સ્પાર્ક થઈ ધુમાડા નીકળવા શરૂ થઈ ગયા હતા. બનાવની જાણ પાછળથી એક્ટીવા પર આવી રહેલા એક યુવક દ્વારા મારૂતિ ચાલક ગોપાલ દવેને કરવામાં આવી હતી. જેને પગલે ચાલક ગોપાલભાઈએ મારૂતિને બાજુમાં ઊભી રાખી હતી અને તમામ વિદ્યાર્થીઓને નીચે ઉતરી જવા માટે જણાવ્યું હતું. જોકે, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બીજી તરફ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડના લાશ્કરો તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. લાશ્કરોએ પાણીનો મારો ચલાવી દસ મિનિટમાં આગને કાબુમાં લીધી હતી. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
બ્લાસ્ટ થવાની શક્યતા હતી, તમામ બેગ્સ જ સળગી ગઈ, વાંચવા માટે ફોટો બદલતા જાવ.
તસવીરો: મેહુલ મેકવાન, વડોદરા