મંદિરે પુત્રના લગ્નનીની કંકોતરી મૂકવા જતાં પિતાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પ ડિસેમ્બરે યોજાનારાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી ત્યારે જ ગણપતિને આમંત્રણ પાઠવવા જતાં રસ્તામાં જ યમરાજા ભેટી ગયા
-ઘટનાને પગલે પરિવારમાં દુ:ખનો પહાડ તૂટી પડયો

ગોરવામાં રહેતું દંપતી દીકરાના લગ્નની પ્રથમ કંકોતરી મંદિરે મૂકવા જતું હતું ત્યારે એ સમયે સવારે નવ કલાકે નર્મદાભુવન પાસે બાઈક સ્લિપ થતાં બંનેને ઈજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં પિતાનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારમાં સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો હતો.

ગોરવામાં આવેલી કુંભ સોસાયટીમાં પ૮ વર્ષીય સૂર્યકાન્તભાઈ રતિલાલ વસાવા તેમની પત્ની ઉષાબેન સાથે રહે છે. સફળ દામ્પત્ય જીવનના પરિપાકરૂપે તેમને જય અને સંકેત નામના બે દીકરાઓ છે. જેમાં જય ઓસ્ટ્રેલિયામાં રહે છે જ્યારે સંકેત કચ્છમાં રહે છે અને ત્યાં નોકરી કરે છે. બેન્ક કર્મચારી તરીકે ફરજ બજાવતા સૂર્યકાન્તભાઈના મોટા દીકરા સંકેતનાં આગામી પ ડિસેમ્બરના રોજ લગ્ન લેવાનાં હતાં. જેને લઈને છેલ્લા કેટલાય સમયથી ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી. દરમ્યાન ગઈકાલે લગ્નની કંકોતરીઓ છપાઈને આવી ગઈ હતી.

આજે સવારે પતિ અને પત્ની બંને દાંડિયા બજારમાં આવેલા ગણપતિ મંદિરે લગ્નની પ્રથમ કંકોતરી મૂકવા પોતાનું બાઈક નં. જીજે૬ એઆર ૯૯પ૧ લઈને જતાં હતાં. દરમ્યાન, એ સમયે નવ કલાકે નર્મદા ભુવનના ગેટ નં. ૧ પાસે બાઈક સ્લિપ થતાં ચાલક સૂર્યકાન્તભાઈએ કાબૂ ગુમાવ્યો હતો અને બંને જણાં ડિવાઈડર સાથે અથડાયાં હતાં. જેમાં સૂર્યકાન્તભાઈને માથામાં ગંભીર અને ઉષાબેનને શરીરના ભાગે તથા દાઢીના ભાગે સાધારણ ઈજાઓ થઈ હતી. બંનેને તુરંત જ એસએસજી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન સૂર્યકાન્તભાઈનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં દુ:ખનો પહાડ તૂટી પડયો હતો.

પરિવારની સાથે સમગ્ર સોસાયટી શોકમગ્ન
એક તરફ વસાવા પરિવારમાં દિકરાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી અને એ સમયે આ દુ:ખદ ઘટના બની છે એમ વાત કરતાં સૂર્યકાન્તભાઈના મિત્ર અને ગોરવાની કુંભ સોસાયટીના રહીશ અશોકભાઈ સોનીએ જણાવ્યું હતું કે, આ ઘટના બનવાને કારણે જે લગ્નના હરખ પરિવાર સહિ‌ત સોસાયટીમાં જોવા મળતો હતો તેને બદલે હાલ સહુના મુખ પર દુ:ખ જોવા મળી રહ્યું છે.