MSUનો ખ્યાતનામ MBAનો ઇવનિંગ કોર્સ બંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર ફાઇલ)
- MSUનો ખ્યાતનામ MBAનો ઇવનિંગ કોર્સ બંધ
- 80 બેઠકો સામે માત્ર 22 છાત્રોએ પ્રવેશ લેતાં
- ફેકલ્ટીને પ્રવેશ પરીક્ષા લેવા સરકાર અને ACPCનો ઇનકાર
વડોદરા : એમબીએના કોર્સ માટે એસીપીસી એ કોમન મેનેજમેન્ટ એડમીશન ટેસ્ટ (સીમેટ)ની પરીક્ષા ફરિજયાત બનાવી છે. ત્યારે એમ.એસ.યુનિ.ની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં ચાલતાં એમબીએના ઇવનીંગ કોર્સ માટે 80 બેઠકો સામે માત્ર 22 વિદ્યાર્થીઓએ સીમેટની પરીક્ષા પાસ કર્યા બાદ પણ ફી ભરીને પ્રવેશ ન લેતાં ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝને વર્ષોથી ચાલતાં એમબીએ ઇવનીંગ કોર્સને બંધ કરવાની ફરજ પડી છે.
રાજયના શિક્ષણ વિભાગ અને એસીપીસીએ એમબીએના વિદ્યાર્થીઓ માટે કોમન મેનેજમેન્ટ એડમીશન ટેસ્ટ (સીમેટ)ની પરીક્ષાને ફરિજયાત બનાવી હતી. જેની સામે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એસોસીએશને સુપ્રિમ કોર્ટમાં દાદ માંગતા પોતાની રીતે એન્ટરન્સ ટેસ્ટ લઇને પ્રવેશ આપવાની છૂટ આપી હતી. તો બીજીબાજુ એમ.એસ.યુનિવિર્સટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝે પોતાને ત્યાં ચાલતાં એમબીએ (ઇવનીંગ કોર્સ) માટે એસીપીસીની સૂચના બાદ 80 બેઠકો માટે સીમેટની પ્રવેશ પરીક્ષા લીધી હતી.
જેમાં 22 વિદ્યાર્થીઓ સીમેટની પરીક્ષા પાસ કરી હતી. જોકે એકપણ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કર્યા બાદ પ્રવેશ ન લેતાં ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝે સાંજના એમબીએના ઇવનીંગ કોર્સને બંધ કરવાની ફરજ પડી હતી.ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝને પોતાની રીતે પ્રવેશ પરીક્ષા લઇ મેરીટના આધારે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની પરવાનગી માંગી હતી. જોકે રાજય સરકાર અને એસીપીસીએ યુનિ.ની રજૂઆતને ધરાર ના પાડી હતી.

પાદરા બાદ વધુ એક પીછેહઠ
વડોદરા.એમ.એસ.યુનિવર્સિટી સંલગ્ન પાદરાની એમ.કે અમીન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની આર્ટ્સ ફેકલ્ટીને વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે બંધ કરવાની આવેલી નોબત બાદ હવે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં પણ એમબીએના ઇવનીંગ કોર્સને પણ સીમેટની ફરિજયાત પરીક્ષાના નિયમ તથા ખાનગી કોલેજોમાં પોતાની રીતે પ્રવેશ પરીક્ષા લેવાના અલગ નિયમના વિવાદે ગ્રહણ લગાડતાં જ તેને પણ બંધ કરવાની ફરજ પડી છે.

સંખ્યાના અભાવે કોર્સ બંધ કરાયો
એમબીએ-ઇવનીંગ કોર્સમાં સીમેટની પરીક્ષા આપીને પાસ થનારા 22 વિદ્યાર્થીઓએ પ્રવેશ ન લેતાં સંખ્યાના અભાવે અમારે કોર્સ મોકૂફ કર્યો છે. આવતાં વર્ષે પ્રવેશ પરીક્ષા લઇને પુન: કોર્સ શરૂ કરીશું.
- ડૉ. અમિત ધોળકિયા, રજીસ્ટ્રાર.

પ્રવેશ પરીક્ષા ફરિજયાત અવેરનેસ વધારાશે. રાજય સરકારને પણ અન્ય કોલેજની જેમ જ પ્રવેશ પરીક્ષા લેવાની પરવાનગી માંગવાની કવાયત કરાશે. ગત વર્ષે 20 બેઠકો પર મેરીટના આધારે અમે 15 વિદ્યાર્થીઓને સમાવી શકયા હતા.
- પ્રો.જયરાજસિંહ જાડેજા, ડીન, મેનેજમેન્ટ સ્ટડીઝ

પ્રવેશ પરીક્ષાની જાગૃતિનો અભાવ
સીમેટની પરીક્ષા એમબીએ માટે ફરજિયાત છે અને જો સીમેટની પરીક્ષા માટે અવેરનેસ ફેલાવવામાં આવી હોત તો વડોદરા શહેરમાં રહીને જોબ અને બિઝનેશ કરતાં પ્રોફેશનલ્સને એક મોકો મળ્યો હોત.
- કૌશલ ઠાકર, એમબીએ છાત્ર

જોબ અને બિઝનેશ કરનાર નોકરી-ધંધાના સમયમાં એમબીએની ડિગ્રી મેળવી શકે છે. સીમેટ અંગે જાગૃિત હોત તો આવી સમસ્યા જ ઉભી ન થાત. જોકે હવે યુનિ.એ સીમેટની ફેબ્રુઆરમાં યોજાનાર પરીક્ષા માટે અવેરનેસ ફેલાવવી જોઇએ.
- સિધ્ધાર્થ શેઠ, એમબીએ છાત્ર

ઇવનીંગનો કોર્સ કયાં કારણોથી બંધ થયો ?
* એસીપીસીએ સીમેટની પ્રવેશ પરીક્ષા ફરિજયાત કરી
* ખાનગી કોલેજોએ પોતાની રીતે પ્રવેશ પરીક્ષા લીધી
* ગત વર્ષ કરતા મેનેજમેન્ટ સ્ટડીઝમાં 40ની 80 બેઠકો થઇ
* બેઠકો વધી પણ સીમેટની ફરજિયાત પરીક્ષા પાસ કરવાના નિયમ વચ્ચે 22 વિદ્યાર્થીઓ જ પાસ થયા
* 22 વિદ્યાર્થીઓએ પાસ થયા બાદ વિવાદને જોતા પ્રવેશ ફી ભરીને પ્રવેશ ન લેતાં એકપણ એડમીશન ન થાય
* એકપણ એડમીશન ન થતાં જ કોર્સ બંધ કરવો પડ્યો