જૂની સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા માટે દસ્તાવેજ અટકાવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જૂની સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા માટે દસ્તાવેજ અટકાવાયા
- ડેવલોપમેન્ટ કરારની નિયમિતતાનું ગતકડું
- નવી 3.5% સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા કાર્યવાહી
વડોદરા : જૂના ડેવલોપમેન્ટ કરારને નિયમિત કરવાના નામે દસ્તાવેજ અટકાવી દેવાતાં હાલાકી ઊભી થઈ છે. જૂની સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા ઢગલો દસ્તાવેજ અટકાવી દેવાયા છે. જેમાં જૂના ડેવલોપમેન્ટ કરાર માટે 1 ટકા અને નવા ડેવલોપમેન્ટ કરાર માટે 3.5 ટકાની વસૂલાતની કાર્યવાહી શરૂ થતાં મકાન ખરીદનારાને અસમંજસની સ્થિતિમાં મુકાવું પડ્યું છે.
નાણાકીય વર્ષ 2014-15ના બજેટમાં ડેવલોપમેન્ટ કરાર કરવા 3.5 ટકાની અલાયદી સ્ટેમ્પ ડ્યૂટી લાગુ કરાઈ હતી.
એટલે બિલ્ડર દ્વારા મકાન બનાવી વેચતી વખતે દસ્તાવેજમાં ડેવલોપર્સ તરીકે કન્ફર્મિંગ પાર્ટી તરીકે સહી કરાતી હોય તો આ સ્થિતિમાં મિલકતની તબદીલી માટે 4.5 ટકા સ્ટેમ્પ ડ્યૂટી ઉપરાંત ડેવલોપમેન્ટ કરારની 3.5 ટકા સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની હોય છે. પરંતુ આ અગાઉ આ સ્ટેમ્પ ડ્યૂટી 1 ટકા હતી. છતાં ઘણાં ડેવલોપર્સ દ્વારા 1 ટકો સ્ટેમ્પ ડ્યૂટી દસ્તાવેજ કરતી વખતે ભરાતી હતી. નવા નિયમના અમલ માટે ના.કલેક્ટર સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન દ્વારા મિલકતના દસ્તાવેજ કરાવતાં પહેલાં ડેવલોપમેન્ટ કરારની 3.5 ટકા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા આદેશ આપ્યો છે. જેને લઈ જૂની-નવી વસૂલાતની ગૂંચ ઊભી થતાં દસ્તાવેજ અટકી ગયા છે.
સમસ્યા શા માટે ઊભી થઈ? ?
હાલના પરિપત્ર મુજબ ડેવલોપમેન્ટ કરારના આધારે દસ્તાવેજ કરવો હોય તો તે માટે 3.5 ટકા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાની થાય. જ્યારે આ નિયમના અમલ પૂર્વે આ સ્ટેમ્પ ડ્યૂટી 1 ટકા હતી. હવે જે ડેવલોપર્સે અગાઉ સ્ટેમ્પ ડ્યૂટી ન ભરી હોય પરંતુ અગાઉ આ કરારને આધારે થયેલા દસ્તાવેજમાં ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી 1 ટકો અલગથી ભરી હોય તેવા કિસ્સામાં બેવડી વસૂલાત થાય તેમ છે. જેથી આ મામલે સમસ્યા ઊભી થતાં દસ્તાવેજ અટકી ગયા છે.
ગાંધીનગરથી અધિકારી આવશે
શહેરમાં સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાતમાં ડેવલોપમેન્ટ કરારને લઈ હોબળો થયો છે. આ મામલે તંત્રના અક્કડ વલણની સરકારમાં રજૂઆત થતાં આવતીકાલે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ સમસ્યાના ઉકેલ માટે વડોદરા આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉચ્ચ અધિકારી દ્વારા સ્ટેમ્પ ડ્યૂટી વિભાગના અધિકારીઓ સાથે બેઠક રાખી હોવાનું જાણવા મળ્યું છે.
મજબૂરીનો લાભ ઉઠાવાય છે
દસ્તાવેજની નોંધણી કરતી વખતે ડેવલોપમેન્ટ કરારની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની વ્યવસ્થા વર્ષોથી ચાલતી હતી. આ વ્યવસ્થા તંત્ર અને ડેવલોપર્સ બંને સ્વીકારીને ચાલતા હતા. હવે રાજ્યમાં માત્ર વડોદરામાં જ જૂના કરારની પણ અેડવાન્સ સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની વાત કરાઈ છે. જેનાથી ડેવલોપર્સનું ફાઇનાન્સિયલ સ્ટ્રકચર ડિસ્ટર્બ થયું છે. આ મજબૂરીનો લાભ લેવાઈ રહ્યો છે.
- હેમંત પટેલ, ઉપપ્રમુખ, ક્રેડાઈ
ઝડપથી નિકાલ કરી દેવાય છે
ડેવલોપમેન્ટ કરારને આધારે ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યૂટીના કેટલા કેસ છે તે અંગે આંકડાકીય વિગત નથી. પરંતુ આવા તમામ કેસો ચકાસણી અર્થે મોકલવા સૂચના અપાઈ છે. જે મુજબ ચકાસણી કરી ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી ભરનારને તુરત ચલણ બનાવી મંજૂરી આપી દેવાય છે.
- આર.સી. જોષી, ઇન્ચાર્જ નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન