વડોદરામા આજે વિસર્જન: સિટીબસ બંધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૧ દિવસના આતિથ્ય બાદ આન-બાન-શાન સાથે વિઘ્નહર્તાને વિદાય અપાશે વીટકોસ બસ સેવા બંધ રહેવાના કારણે એક લાખથી વધુ મુસાફરોને સીધી અસર થશે પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર થયેલા ૧૮૬૮ શ્રીજી ઉપરાંત હજારો નાની મૂર્તિ‌નું વિસર્જન કરાશે પર્વપ્રિય વડોદરામાં ૧૧ દિવસ સુધી ૧૧૩ મા ગણેશોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થયા બાદ શનિવારે અનંત ચતુર્દશીના પર્વે શ્રદ્ધાળુઓ દુંદાળા દેવને આન-બાન-શાનથી વિદાય આપશે. વિસર્જન પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે એક તરફ પાંચ હજારથી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે, તો બીજી તરફ વિસર્જનના કારણે હજારોની ભીડ રોડ પર નીકળવાની હોવાના કારણે બપોરના બાર વાગ્યાથી વીટકોસ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. સિટી બસ સેવા બંધ રહેવાના કારણે શહેરના અંદાજે એક લાખથી વધુ મુસાફરોને તેની સીધી અસર થશે અને તેમને વૈકલ્પિક વ્યવસ્થાની મદદથી જે તે સ્થળે પહોંચવું પડશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં વીટકોસની ૬૦ બસ વિવિધ રૂટ પર ચાલી રહી છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ચાર દરવાજા સહિ‌તના વિસ્તારમાં સવારના નવ વાગ્યા સુધી વિવિધ વૈકલ્પિક રૂટ પર બસ દોડાવવાનું જણાવવામાં આવ્યું છે અને બપોરના બાર વાગ્યે તમામ બસોને રૂટ પર ન ચલાવવાનો આદેશ કરવા આવ્યો છે. હજારો શ્રદ્ધાળુઓ સુરસાગર સહિ‌તનાં ૨૧ તળાવો ખાતે ગણપતિ બાપાને 'પુઢચ્યા વર્ષી લવકર આ’ નો કોલ આપવા ઉમટી પડશે. એક અંદાજ મુજબ આજે પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર થયેલા ૧૮૬૮ શ્રીજી ઉપરાંત હજારો નાની મૂર્તિ‌ઓનું તળાવો અને નદીમાં વિસર્જન કરવામાં આવશે. સઘન કમ્યુનિકેશન રહેશે વિસર્જનમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારીઓ વચ્ચે ઘનિષ્ઠ સંકલન રહે તે જરૂરી છે. પો.કમિશનર સતિષકુમાર શર્માએ જણાવ્યું કે, તમામ પોલીસ અધિકારી અને જવાનો વાયર લેસથી એકબીજાના સંપર્કમાં રહેશે. બંદોબસ્તના સંદર્ભમાં વધારાના ૧૮ સીસીટીવી કાર્યરત થઇ ગયા હોવાથી બંદોબસ્ત પર તેમજ શ્રીજી સવારી પર નજર રાખી શકાશે. ધાબા પર જવાનો તૈનાત રહેશે અનિચ્છનીય બનાવ અટકાવવા ધાબા પોઇન્ટ તેમજ ડીપ પોઇન્ટનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખી ખાસ કરીને ડીપ પોઇન્ટમાં તૈનાત જવાનોને વધુ સતર્ક રહેવાની અને ફરજ પરના જવાનોને શ્રીજીની સવારીઓ જવા રોડ પર ન જવાની સૂચના અપાઇ છે. જ્યારે ધાબા પોઇન્ટ પર તૈનાત જવાનોને રોડ પરની તમામ હિ‌લચાલ પર બાજ નજર રાખવા જણાવ્યું છે. બુલેટપ્રૂફ જેકેટથી સજ્જ વિસર્જન પર્વને ધ્યાનમાં રાખી સાત રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે. તેના ઇન્ચાર્જ પીએસઆઇ હશે. આ ટીમ અત્યાધુનિક હથિયારો ઉપરાંત બુલેટપ્રૂફ જેકેટથી સજ્જ હશે. આ વર્ષે વડોદરા શહેરને બુલેટપ્રૂફ એક વેહિ‌કલ પણ મળ્યાં હોવાના કારણે બંદોબસ્ત વધુ અસરકારક બની રહેશે. આ ઉપરાંત ૧૧ રિઝર્વ ટીમ પણ તૈનાત કરાઇ છે, જે સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત રહેશે. આનંદ ચતુર્થીના દિવસે હું પોણાસાત-સાતે આવી જઉં છું. આવીને તરાપાને, તળાવના પાણીને પગે પડીને દિવસ શરૂ કરવાનો છું. હું માણેજામાં ચાની કિટલી ચલાવું છું પણ દસ વર્ષથી શ્રીજી વિસર્જન સુરસાગરમાં જ કર્યું છે. મૂર્તિ‌ પધરાવવાના બદલામાં લોકો જે પ્રેમથી આપે તે લઇ લવું છું મારી સાથે ૧પ૦ જેટલા તરાપાવાળા જોડાશે.શ્રીજીની માનતા ઘણા તરાપાવાળા પર નથી જાળવતા અને દારૂ પીને આવે છે. અમે એકબીજાના ભરોસે રહીએ છીએ. રાત્રે આ બાબતે ધ્યાન રાખવું પડે છે. છ વર્ષ અગાઉ એક સાંજે આ જ દિવસોમાં એક ભાઈ મૂર્તિ‌ સાથે આવ્યાં. મને સામે કાંઠે વિસર્જિત કરવાનું કહ્યું. મેં હા પાડી. સો રૂપિયા નક્કી થયા. ત્યાં જ મારો એક મિત્ર આવી ચઢયો. મેં કહ્યું ' તું એકલો જ જા. બધા તું જ રાખી લે જે. તેણે મૂર્તિ‌ સાથે ભૂસકો માર્યો. પાછો ન આવ્યો. જોકે તુરંત મેં ભૂસકો માર્યો. મેં જોયું કે તેની છાતીમાં એક સળિયો ખૂંપી ગયો હતો...સાત દિવસ બાદ તે મોતને ભેંટ્યો. ગણેશજીને મારી ભક્તિ ગમશે ત્યારે મને સારી જગ્યાએ નોકરી અપાવશે. બાકી આજની સાંજ તો હું બેઠો છું આવતીકાલની રાહ જોવા. (૧૦ વર્ષથી સુરસાગરમાં તરાપા વડે વિસર્જન કરતાં ૨૪ વર્ષીય જિજ્ઞેશ રાજપૂત સાથે કુણાલ પેઠેની થયેલી વાતચીત અનુસાર) એસટી બસના પણ રૂટ બદલાયા શ્રીજી વિસર્જન અંગેના જાહેરનામાના પગલે એસટી બસના રૂટો માટે પણ વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વાઘોડિયા રોડ તરફની બસો વૃંદાવન ચાર રસ્તાથી, ડભોઇ રોડ તરફના રૂટ પર ચાલશે. ડભોઇ રોડ પરથી આવતી બસો પ્રતાપનગરથી સુશેન સર્કલ થઇ જેલ રોડથી નિઝામપુરા જશે.