ડેરીમાં ચેરમેન દ્વારા પત્નીના નામે કરાતો ઘઉં અને કુસકીનો વેપાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બરોડા ડેરીના વહીવટમાં સગાવાદ ચાલતો હોવાનો ધટસ્ફોટ
ચેરમેન તરીકે લાભના પદ પર બેઠા હોવા છતાં પત્ની અને પુત્રની કંપનીમાંથી ખરીદાતા ધઉં અને કુસકી
ચેરમેન દ્વારા દર મહિ‌ને સરેરાશ ૨ લાખનું બિલ લેવાતું હોવાનો ધારાસભ્ય દિનુમામાનો આક્ષેપ

બરોડા ડેરીના વહીવટમાં ચૂંટાયેલા સભાસદ દ્વારા સગાવાદ ચલાવાતો હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. ડેરીના ચેરમેન દ્વારા તેમની પત્નીના નામે ડેરીમાં ધંઉ અને કુસકીનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ચેરમેન તરીકે ડેરીના લાભના પદ પર હોવા છતાં દર મહિ‌ને સરેરાશ ૨ લાખનું ચુકવણું ડેરીમાંથી પત્ની અને પુત્રના નામે લેવામાં આવતું હોવાનું પાદરાના ધારાસભ્ય અને ડેરીના ડિરેકટર દિનુમામાએ આજે કર્યો હતો.
આ અંગે માહિ‌તી આપતા ધારાસભ્ય દિનુમામાએ જણાવ્યું હતુંકે સહકારી કાયદાની કલમ ૩૨ હેઠળ સહકારી સંસ્થામાં ચુંટાયેલા ડિરેકટર કે હોદ્દેદાર પોતે કે તેમના સગા મારફતે જે તે સંસ્થામાંથી કોઈ પણ આર્થિ‌ક લાભ લઈ શકતા નથી. આ ઉપરાંત તેઓ સીધી કે આડકતરી રીતે જે તે સંસ્થામાં કોઈ કોન્ટ્રાક્ટર રાખી શકતા નથી કે તેમાંથી નાણાંકીય લાભ પણ મેળવી શકતા નથી. કાયદાની આ જોગવાઈનો ભંગ કરી ચેરમેન શૈલેષ પટેલ દ્વારા તેમની પત્ની તરલાબેન પટેલ અને પુત્રની કંપની જય માતાજી એગ્રોના નામે કોન્ટ્રાકટ લઈ નાણાંકીય લાભ લેવામાં આવી રહ્યો છે.
તેઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતુંકે શૈલેષ પટેલ દ્વારા ચેરમેન પદના હોદ્દાનો દુરઉપયોગ કરી ડેરીમાં પત્ની તરલાબેન તથા પુત્રના નામે ધંઉ અને કુસકી સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ ગત નવેમ્બર મહિ‌નાથી લેવામાં આવી રહ્યો છે. નવેમ્બર મહિ‌નાથી માર્ચ મહિ‌ના સુધી આ કોન્ટ્રાકટર હેઠળ દર મહિ‌ને સરેરાશ ૨ લાખનું ચુકવણું પણ લેવામાં આવ્યું છે. જે સહકારી કાયદાની જોગવાઈઓનો સરેઆમ ભંગ કરી દૂધ ઉત્પાદકોના રૂપિયાનો વેડફાટ કરવામાં આવતો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
જિલ્લા ભાજપમાં વકરતું ગૃહયુદ્ધ
જિલ્લા ભાજપના એક જુથ દ્વારા ભાજપના જ અન્ય જુથને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે જ બરોડા સેન્ટ્ર્લ કો.ઓ. બેંકમાં ચેરમેન અતુલ પટેલના ગોટાળા બહાર પાડયા બાદ હવે બરોડા ડેરીના ચેરમેન શૈલૈશ પટેલ સામે નિશાન તાકવામાં આવ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં જિલ્લા ભાજપનું ગૃહયુધ્ધ વધુ વકરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
સ્ટેટ રજિસ્ટ્રારને ફરિયાદ કરાશે
બરોડા ડેરીના ચેરમેન તરીકે હોદ્દા પર બેઠા હોય ત્યારે કોઈ પણ સગાના નામે આર્થિ‌ક લાભ લેવો ગુનો બને છે. અંગે રાજ્યના સ્ટેટ રજીસ્ટ્રાર સમક્ષ ફરિયાદ કરી શૈલેષ પટેલને બરોડા ડેરીના ડિરેકટર અને ચેરમેન પદેથી હાંકી કાઢવાની માંગણી કરવામાં આવશે.
દિનુમામા, ધારાસભ્ય
ચાર વર્ષથી વેપાર ચાલે છે
મારા પત્ની તરલાબેન દ્વારા ૨૦૧૦-૧૧માં ૩૪ લાખ, ૨૦૧૧-૧૨માં ૩૦ લાખ, ૨૦૧૨-૧૩માં ૭૦ લાખ તથા પુત્રની કંપની જય માતાજી એગ્રો દ્વારા ૨૦૧૧-૧૨માં ૨૧ લાખ અને ૨૦૧૨-૧૩માં પ.૮૮ લાખનો સપ્લાયઅપાયો છે. જે મારા ડિરેકટર બન્યા પહેલાનો છે. હોદ્દા પર બેઠા પછી બંધ કરવાનો કોઈ કાયદો નથી.
શૈલેષ પટેલ, ચેરમેન, બરોડા ડેરી