કોંગ્રેસના કાર્યક્રમમાં જ કોંગ્રેસ પ્રમુખની બાદબાકી?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લલિત પટેલ દ્વારા આયોજિત કારકિર્દીના ઉંબરેના કાર્યક્રમના બેનરમાં પ્રમુખનો ફોટો પણ નથી
- એક જૂથની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમથી જૂથબંધી છતી થઇ


શહેર કોંગ્રેસ સમિતિના અકોટા વિધાનસભા મતવિસ્તારના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના ઉંબરે કાર્યક્રમમાં શહેર પ્રમુખની જ બાદબાકી કરવામાં આવતાં કોંગી મોરચે વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
ધોરણ-૧૨ પછી કયા કોર્સ કરી શકાય તે માટે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને માર્ગદર્શન આપવા માટે મંગળવારે શહેર કોંગ્રેસ સમિતિના બેનર હેઠળ લલિત પટેલે વાણિજ્ય ભવન ખાતે કારકિર્દીના ઉંબરેના ર્શીષક હેઠળ કાર્યક્રમ રાખ્યો હતો.
આ કાર્યક્રમ અકોટા વિધાનસભા મતવિસ્તાર પૂરતો સીમિત રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની જાહેરાત કરતા બોર્ડમાં લલિત પટેલે કોંગ્રેસના રા્ષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા અને પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના ફોટા મૂકયા હતા.પરંતુ, આ બોર્ડમાં શહેર કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર રાવત સહિ‌તના કોઇ દિગ્ગજના ફોટા મૂકવામાં આવ્યા ન હતા. એટલું જ નહીં, અકોટા વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલા કોંગ્રેસના આગેવાન લલિત પટેલના કાર્યક્રમમાં શહેર પ્રમુખ નરેન્દ્ર રાવતની ગેરહાજરી ચર્ચાનો વિષય બન્યો હતો.

માત્ર અકોટા વિધાનસભા મતવિસ્તારના જ કોંગી આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહેતાં ફરી એક વખત કોંગ્રેસની જૂથબંધી સપાટી ઉપર આવી હતી.આ મામલો કોંગ્રેસના કાર્યક્રમોમાં ચર્ચાની વિષય બન્યો હતો.

મને જાણ સુધ્ધાં કરી નથી

વાણિજ્યભવનમાં જે કાર્યક્રમ થયો તેની જાણકારી નથી કે મને બોલાવ્યો પણ નથી. વ્યક્તિગત કાર્યક્રમ થાય તો વાંધો નથી પરંતુ જો કોંગ્રેસના બેનર હેઠળ કાર્યક્રમ કરવાનો હોય તો સ્વાભાવિક છે મારી પરવાનગી લેવાની અને મને જાણ પણ કરવાની હોય. અલબત્ત, મારી જાણ બહાર કોંગ્રેસના બેનર હેઠળ જે કાર્યક્રમ થયો છે તે અંગે પ્રદેશમાં જાણ કરવામાં આવશે.

નરેન્દ્ર રાવત, શહેર કોંગ્રેસ પ્રમુખ

પ્રમુખને SMS મોકલ્યો હતો

હું અકોટા વિધાનસભાની બેઠક માટે ચૂંટણી લડયો છું અને મને એટલી તો સત્તા છે કે હું મારા ક્ષેત્રમાં કોઇ કાર્યક્રમ કરી શકું. મેં કાર્યક્રમની જાણકારી આપતો એસએમએસ શહેર પ્રમુખને પણ મોકલ્યો હતો. મેં પક્ષ વિરોધી કૃત્ય કર્યું નથી અને પ્રદેશ કાર્યાલયમાંથી જે પુસ્તકો લાવ્યો હતો તે અકોટા વિધાનસભા વિસ્તાર પૂરતાં જ લાવ્યો હતો.

લલિત પટેલ, કાર્યક્રમ આયોજક