ભાજપથી નહીં કોંગ્રેસથી જ કોંગ્રેસ હારી : શંકરસિંહ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીના દોઢ મહિ‌ના બાદ આજે વડોદરામાં યોજાયેલા કોંગ્રેસ સંમેલનમાં પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ તેમના સંબોધનમાં આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, કોંગ્રેસ માટે હારવાનો કોઇ પ્રશ્ન જ નહોતો. આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને નથી હરાવ્યો પરંતુ કોંગ્રેસથી જ કોંગ્રેસની હાર થઇ છે. તેમણે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષના હિ‌તમાં કડક વલણ અપનાવવાનો સંકેત આપી આગેવાનો અને કાર્યકરોને હોદ્દાનો આગ્રહ રાખ્યા વિના લોકોમાં પક્ષ માટે હકારાત્મક છાપ ઊભી થાય તેવા કાર્યક્રમો યોજવા અનુરોધ કર્યો હતો.

શહેરના રાધેશ્યામ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત શહેર-જિલ્લાના કોંગ્રેસ સંમેલનમાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ પક્ષના કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર આગેવાનોના થતા જમાવડા અને હોદ્દા મેળવવા ચાલતી ખેંચતાણ અંગે નારાજગી વ્યક્ત કરી કાર્યકરોના કારણે સ્ટેજ ઉપર બેસવાનું અને હોદ્દા મળે છે તેમ જણાવી કાર્યકરોની સાથે રહેવા જણાવ્યું હતું. બાપુએ ચૂંટણીમાં ટિકિટ મળી જશે એવું માનનારા આગેવાનો દ્વારા ટિકિટ નહીં મળ્યા બાદ નારાજ થઇ પક્ષ છોડી દેવાની અપાતી ધમકીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, જેને પક્ષ છોડીને જવું હોય તે જઇ શકે છે.

બાપુએ કહ્યું હતું કે, ચૂંટણી ટાણે ટિકિટ માગવાનો સૌને અધિકાર છે. પરંતુ પક્ષ ઉમેદવાર નક્કી કરે તે પછી તેને જીતાડવાનો જોમ-જુસ્સો નહીં કેળવો ત્યાં સુધી પક્ષ માટે જીત મુશ્કેલ છે. બાપુએ પક્ષની અંદર ચાલતી હરીફાઇ અને હોદ્દાઓ માટે ચાલતી ખેંચતાણ બંધ કરવાની ચીમકી સાથે પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવાનો સંકેત આપ્યો હતો. પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે ચૂંટણીમાં થયેલી હારથી હતાશ અને માયૂસ થવાની જરૂર નથી તેમ ટાંકી લોકસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ કરવાી હાકલ કરી હતી.

સંતો દ્વારા મોદીના નામની જાહેરાત : પૈસો બોલે છે

સંતો દ્વારા વડાપ્રધાનપદ માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામની કરવામાં આવનાર જાહેરાત અંગે શંકરસિંહ વાઘેલાને પૂછવામાં આવતાં તેમણે કટાક્ષ કર્યો હતો કે, પહેલાં ' પૈસો બોલે છે’ એવું નાટક આવતું હતું. વડાપ્રધાનપદ માટે મોદીનું નામ સંતો બોલે છે એવું નથી. આ તો પૈસો બોલે છે. રાજનાથસિંહ પ્રમુખ બન્યા તે કોઇને ખબર ન પડી, પરંતુ રાજનાથસિંહ પ્રમુખ બન્યા બાદ મોદી તેમને શુભેચ્છા આપવા ગયા તે દેશ-દુનિયાએ જાણ્યું.