• Gujarati News
  • Congress Leader Maulina Vaishnav Also Become A Farmer

કોંગ્રેસના અગ્રણી મૌલિન વૈષ્ણવ પણ વીલથી ખેડૂત બન્યા છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોજરગામડીની જમીનમાં વીલથી ખેડૂત બની વેમાલીની જમીન ખરીદી
વીલના સહારે ખેડૂત બનનાર સામે કલેકટરના સપાટા વચ્ચે નવો ફણગો

ખેતીની જમીન માત્ર ખેડૂત ખાતેદાર જ ખરીદી શકે તેવા સરકારના સ્પષ્ટ નિયમો વચ્ચે ખેડૂત બનવા કે ખેતીની જમીન ખરીદવા માટે વીલનો ઉપયોગ કરનારા સામે કલેકટરે સપાટો બોલાવ્યો છે. કલેકટરે બોલાવેલા સપાટા વચ્ચે શહેર કોંગ્રેસના અગ્રણી મૌલિન વૈષ્ણવ પણ વીલથી ખેડૂત બન્યા હોવાનું સામે આવ્યું છે. શહેર નજીક વેમાલી ગામની બ્લોક નંબર ૧૦૯/બીની ખેતીની જમીન આજે પણ મૌલિન વૈષ્ણવ અને તેમના પરિવારના નામે ચાલી રહી છે.

જ્યાં વૈભવી ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે. પહેલાં મૌલિન વૈષ્ણવે વડોદરા તાલુકાના જ મોજરગામડીની જમીન વીલથી મેળવી તે આધારે તેમને વેમાલીની જમીન ખરીદી હતી. કાયદા મુજબ ખેતીની જમીન ખરીદવા માટે ખરીદાર જન્મજાત ખેડૂત હોવો જરૂરી છે. આ કાયદાની આવી છટકબારીના ઉપયોગમાં આવેલા સંજુ ભારંભે, ચેતન સાંડેસરા અને મધુ શ્રીવાસ્તવ બાદ હવે કોંગ્રેસના મૌલિન વૈષ્ણવનું નામ પણ સામે આવ્યું છે.

વડોદરા તાલુકાના મોજરગામડીની જમીનમાં વીલ આધારે ખેડૂત બનેલા મૌલિન વૈષ્ણવ દ્વારા ૨૧/૧૦/૧૯૯પના રોજ વેમાલી ગામની બ્લોક નંબર ૧૦૯/બીની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદવામાં આવી હતી. જેની ગામ નમૂના હક્ક પત્રકમાં ફેરફાર નોંધ નંબર ૧૦૯૧ તા. ૨૭/૧૦/૯પના રોજ પાડવામાં આવી હતી. જે સર્કલ ઓફિસર દ્વારા ૧૮/૧૨/૯પના રોજ મંજૂર કરવામાં આવી છે.

જેમાં મોજરગામડીના ખાતા નંબર ૬૬માં ખેડૂત ખાતેદાર તરીકે નોંધાયા હોવાનું જણાવી નોંધ મંજૂર કરવામાં આવી હતી. મૌલિન વૈષ્ણવ દ્વારા ખેડૂત ખાતેદાર તરીકે જમીન ખરીદયા બાદ તેમના પત્ની નયનાબેન અને બાળકો કૃણાલ અને કિરાતના નામ પણ વારસાઈ હક્કે દાખલ કરવામાં આવ્યાં છે. જેની ગામ દફતરે તા. ૧૩/૧૨/૯૭ના રોજ પડેલી ફેરફાર નોંધ નંબર ૧૧૭૧ સર્કલ ઓફિસરે ૨૨/૧૨/૯૭ના રોજ મંજુર કરી હતી. જે નામો આજે પણ ૭/૧૨માં ચાલી રહ્યા છે.

વેમાલીનું ફાર્મ અગ્રણીઓનું ગેસ્ટ હાઉસ?

દુમાડ ચોકડી નજીક નેશનલ હાઈવે નં ૮ને અડીને આવેલ બ્લોક નંબર ૧૦૯/બીની જમીનમાં કોંગ્રેસના આગેવાન મૌલિનભાઈ વૈષ્ણવે ભવ્ય ફાર્મ હાઉસ બનાવ્યું છે. આ ફાર્મ હાઈવે ટચ હોય ગુજરાતના પ્રવાસમાં અહીંથી પસાર થતાં કોંગ્રેસના મોટા ભાગના આગેવાનો અને નેતાઓએ આ વૈભવી ફાર્મ હાઉસની મહેમાનગતી માણેલી છે.

બ્લોક નંબર ૧૧૩ની જમીન વેચી દીધી

મોજરગામડીના ખેડૂત ખાતેદાર તરીકે વેમાલીની બ્લોક નંબર ૧૦૯/બીની જમીન ખરીદનાર કોંગ્રેસ અગ્રણી મૌલિન વૈષ્ણવે બ્લોક નંબર ૧૧૩ની જમીન પણ ખરીદી હતી. પરંતુ આ જમીન થોડા સમય અગાઉ જ અન્યને વેચી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે.

તબીબો-ઉદ્યોગપતિ પણ વીલના સહારે

વીલથી ખેડૂત બની ખેતીની જમીન ખરીદવામાં માત્ર બિલ્ડોર અને રાજકારણીઓનો સમાવેશ થાય છે. પરંતું તેમની સાથે શહેરના અનેક જાણીતા તબીબો અને ઉદ્યોગપતિઓ પણ ખેતીની જમીન ખરીદવા માટે વીલથી ખેડૂત બન્યા હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે.

વીલનું ર્કોટમાં પ્રોબેટ મેળવ્યું છે

વેમાલીની જમીન ખરીદતા પહેલાં મોજરગામડી ખાતે વીલથી વારસાઈ મેળવેલી છે. જે માટે ર્કોટમાંથી પ્રોબેટ પણ મેળવવામાં આવ્યું હતું. જે આધારે વેમાલીની જમીન મારું મકાન બનાવવા માટે ખરીદવામાં આવી છે. જ્યાં આજે મારું નવું મકાન બનાવવામાં આવ્યું છે. જેની વુડા પાસેથી પરવાનગી પણ મેળવવામાં આવી છે. મૌલિન વૈષ્ણવ, કોંગ્રેસ અગ્રણી