ગુજરાત ફનવર્લ્ડના સંચાલક અને પ્રવાસ સંચાલક સામે ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પ્રવાસમાં આવેલો ભરૂચનો વિદ્યાર્થી સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાની ઘટનામાં
-મૃતકની માતાએ બંને સામે નિષ્કાળજીની ફરિયાદ નોંધાવી

આજવાના ગુજરાત ફનવર્લ્ડ ખાતે પ્રવાસે આવેલા ભરૂચની શાળાના વિદ્યાર્થીઓ પૈકી એક બાળક માસૂમ બાળકનો પગ સ્વીમીંગ પુલમાં લપસી જતાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. શાળાના પ્રવાસ સંચાલક અને ગુજરાત ફનવર્લ્ડના સંચાલકોની નિષ્કાળજી અંગે તેની માતાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભરૂચના અયોધ્યાનગરમાં રહેતા ઇલાબહેન કનૈયાલાલ પંડયાનો પુત્ર યુગ અમિટિ સ્કૂલના કેજી સેકશનમાં અભ્યાસ કરતો હતો. શાળાના ૩૦૦ વિદ્યાર્થીઓ ગત ૨૧મી ઓક્ટોબરે આજવાના પ્રવાસે આવ્યા હતાં. દરમિયાન સ્વીમીંગ પુલમાં પગ લપસી જતાં યુગ પાણીમાં ડૂબી ગયો હતો. તેને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડયો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

ઘટના અંગે વિદ્યાર્થિ‌ની માતા ઇલાબહેન પંડયાએ શુક્રવારે રાત્રે એમિટિ શાળાના પ્રવાસના સંચાલક અને ગુજરાત ફનવર્લ્ડના સંચાલકોની નિષ્કાળજી અને બેદરકારી અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ગુજરાત ફનવર્લ્ડના મેનજર ધવલ પટેલે કહ્યું હતું કે બાળકનું મોત તેના પરિવાર માટે જેટલી દુ:ખની ઘટના છે તેટલી જ અમારા માટે પણ દુ:ખદ ઘટના છે. અમારે ત્યાં એટેન્શન રાખવામાં આવે જ છે. આ કોઇની નિષ્કાળજી નહિ‌ પરંતુ અકસ્માત છે. ઘટના સંદર્ભે પીએસઆઇ ડોડિયાએ જણાવ્યું હતું કે બાળકની માતાએ ગુજરાત ફનવર્લ્ડના સંચાલકો અને શાળાના પ્રવાસના સંચાલક સામે નિષ્કાળજીની ફરિયાદ નોંધાવતા અમે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.