હવેથી રોજ કમાટીબાગના ખૂણે ખાંચરે સાફસફાઇ હાથ ધરાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચોખ્ખાઇઃ અત્યાર સુધી નિયત સ્થળોએ જ સફાઇની કામગીરી થતી હતી
- પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગની સાથે હવે ઉત્તર ઝોનનો સ્ટાફ પણ તૈનાત
- સહેલાણીઓમા કમાટીબાગની સ્વચ્છ બગીચાની છાપ ઊભી કરવાનો પ્રયાસ


વડોદરાને વિશ્વના ફલક ઉપર ચમકાવવામાં સિંહફાળો આપનાર કમાટીબાગનો ખૂણોખાંચરો સાફ કરવાની શરૂઆત સેવાસદને કરી છે. રાજવી પરિવારની ભેટ એવા કમાટીબાગમાં વર્ષે પ૦ લાખથી વધુ સહેલાણીઓ આવે છે. કમાટીબાગમાં પ્રવેશવા માટે મુખ્ય ત્રણ પ્રવેશદ્વાર છે અને ત્યાંથી જ સહેલાણીઓ પ્રવેશ કરે છે. જોકે, મોટા ભાગના સહેલાણીઓ ગેટ નં-૨ એટલે કે યુનિ.વીસીના બંગલાની સામેના ગેટમાંથી જ એન્ટ્રી લે છે. કમાટીબાગમાં વહેલી સવારે ર્મોનિંગ વોકર્સ અને મોડી સાંજ સુધી સહેલાણીઓ આવતાં હોય છે. વહેલી સવારથી મોડી રાત સુધી કમાટીબાગ ધબકતું હોય છે ત્યારે તેની સાફ સફાઇ કરવી પણ એટલી જ જરૂરી બને છે.

કમાટીબાગમાં અત્યાર સુધી ચોક્કસ ભાગમાં સાફ સફાઇ કરવામાં આવતી હતી.પરંતુ, કમાટીબાગમાં આવતાં સહેલાણીઓમાં અનેરી છાપ ઊભી કરવા માટે મ્યુ.કમિશનર મનીષ ભારદ્વાજે પાર્કસ એન્ડ ગાર્ડન શાખાની સાથે ઉત્તર ઝોનના સ્ટાફને કમાટીબાગમાં સાફ સફાઇ નિયમિત કરવાના આદેશ આપ્યા હતા. એટલું જ નહીં, કમાટીબાગનો ખૂણેખૂણો વાળીને ચોખ્ખો ચણાક કરવાનું ફરમાન કરી ૪૦ એકરમાં પથરાયેલા કમાટીબાગમાં પાર્કસ એન્ડ ગાર્ડનના કર્મચારીઓની સાથે ઉત્તર ઝોનના કર્મચારીઓને સફાઇની જવાબદારી સોંપાઇ છે.

- સાફસફાઇની કેમ જરૂર પડી?

કમાટીબાગમાં નિયત સ્થળોએ જ સાફ સફાઇ થતી હતી. બાગના દરેક ભાગમાં સહેલાણીઓ જતાં હોય છે ત્યારે પડી રહેલાં કચરાને લઇને કમાટીબાગની નિભાવણી કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયુ હોવાની છાપ સહેલાણીઓના માનસમાં સર્જા‍તી હતી. આ છાપ ભૂંસવા માટે સ્વચ્છ કમાટીબાગની છાપ ઊભી કરવા માટે તંત્રે ઝોનના સ્ટાફનો પણ સામેલ કર્યો છે.

- હવે શું? લાંબાગાળાની યોજનાનો અમલ

કમાટીબાગની લોન ઉપર કે અન્ય ભાગમાં કચરો પડેલો હશે તો તેને ઉપાડીને તેનો નિકાલ કરાશે. જે માટે ડોર ટુ ડોરના વાહનોની પણ સેવા લેવાશે. કમાટીબાગની સઘન ઝુંબેશનો પ્રયોગ ભૂતકાળમાં કરાયો હતો પણ તેને નિયમિતપણે અમલમાં મૂકાયો ન હતો ત્યારે તેને પ્રથમ વખત લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવ્યો છે.