લોકસભાની બેઠક દીઠ RSSના ઇન્ચાર્જ મૂકવાની હિ‌લચાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી માટેના પ્રચારપ્રમુખ બન્યા બાદ બદલાઇ રહેલાં સમીકરણો : આગામી ચૂંટણીમાં ભાજપને મદદરૂપ થવા સંઘ પડદા પાછળની ભૂમિકામાં રહે તેવી રણનીતિ ઘડવામાં આવી રહી છે

લોકસભાની ચૂંટણીને આડે હવે નવ મહિ‌નાનો સમય બાકી રહ્યો છે ત્યારે આગામી ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પણ પડદા પાછળ રહીને ભાજપને પરોક્ષ રીતે મદદ કરે તેવી રણનીતિ ઘડાઇ રહી છે. જે અંતર્ગત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા લોકસભા બેઠક દીઠ ભાજપની જેમ તેના અલગ ઇન્ચાર્જ-પ્રભારી મૂકી ચૂંટણી કામગીરી ઉપર વોચ રાખવાની હિ‌લચાલ થઇ રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત વચ્ચેના ગાઢ સંબંધો જગજાહેર છે. ગોવામાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં નરેન્દ્ર મોદીને લોકસભાની આગામી ચૂંટણીના ભાજપના પ્રચાર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવ્યા બાદ નારાજ થયેલા અડવાણી પણ સંઘ સુપ્રીમોની લાલ આંખથી ઠંડા પડી જતાં સંઘ સુપ્રીમોનું વર્ચસ્વ અને મોદી તરફની લાગણી જોવા મળી હતી.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકથી કારકીર્દિ શરૂ કરનાર નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીના પક્ષના પ્રચાર માટેની જવાબદારી સોંપાયા બાદ બદલાઇ રહેલાં સમીકરણો અંતર્ગત આગામી ચૂંટણીમાં ભાજપને મદદરૂપ થવા સંઘ પડદા પાછળની ભૂમિકામાં રહે તેવી રણનીતિ ઘડવામાં આવી રહી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ દ્વારા જે રીતે ચૂંટણી સમયે બેઠક દીઠ જવાબદારી સોંપવામાં આવે છે તેવી જ રીતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા પણ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી લોકસભા બેઠક દીઠ સંઘના હોદ્દેદારોને ઇન્ચાર્જ કે પ્રભારી તરીકેની જવાબદારી સોંપવાની તૈયારીઓ ચાલી રહી છે. જેનો સીધો અર્થ સંઘ દ્વારા ભાજપ ઉપર સીધું નહીં પણ આડકતરી રીતે પ્રભુત્વ જમાવવાની કોશિશ તરીકે થઇ રહ્યો છે.

ઇન્ચાર્જ-પ્રભારી શું કરશે?

લોકસભા બેઠક દીઠ સંઘ દ્વારા મૂકાનારા ઇન્ચાર્જ-પ્રભારી જે તે બેઠક વિસ્તારમાં સંગઠન મજબૂત બનાવવા ઉપરાંત કોરાણે મૂકાયેલા આગેવાનોને સમજાવવા, સંઘના નેટવર્કને મજબૂત કરવાની તેમજ ચૂંટણી કામગીરી ઉપર વોચ રાખશે.

નો કોમેન્ટ...

ઇન્ચાર્જ-પ્રભારી મૂકવાની હિ‌લચાલ અંગે પૂછતાં સંઘના ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ પ્રદીપ જૈને કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી 'નો કોમેન્ટ’ તેમ જણાવ્યું હતું.

સંઘના નિર્ણયની મને માહિ‌તી નથી

લોકસભા બેઠક દીઠ ઇન્ચાર્જ-પ્રભારી બનાવવાના સંઘના નિર્ણય અંગે મને કંઇ જ જાણકારી કે માહિ‌તી નથી. કારણ કે એ સંઘનો વિષય છે. તેમ છતાં દેશમાં કોંગ્રેસના શાસન હેઠળ દેશની જે સ્થિતિ થઇ છે તેની સામે બધાને અકળામણ હોય તે સ્વાભાવિક છે. - ભરતસિંહ પરમાર, મહામંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ