રિક્ષામાં લવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-રાજમહેલ રોડ પરથી ત્રણ બોટલ સાથે ત્રણ ઝડપાયાં
-પોલીસે પ્રોહિ‌બિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

શહેરમાં ગઈકાલે રાત્રિના વિદેશી દારૂ લઈ જવાના અલગ-અલગ નોંધાયેલા બે બનાવમાં નવાપુરા અને માંજલપુર પોલીસે પ્રોહિ‌બિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બંને બનાવમાં કુલ પાંચ ઈસમોની અટકાયત કરી તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મૂળ મહારાષ્ટ્રના અને હાલમાં દિવાળીપુરામાં વસવાટ કરતા પ્રવીણકુમાર દાદુભાઈ શકરે તથા દિલીપ નામદેવ થોરાત પોતાની રિક્ષા લઈને માંજલપુરના જ્યુપિટર ચાર રસ્તા પાસેથી સાંજે પસાર થતા હતા.

ગુપ્ત બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને રિક્ષાને આંતરીને તપાસ કરતાં વિદેશી બનાવટનાં ૧૪૪ નંગ ક્વાર્ટરિયાં, ૧૪,૪પ૦ની કિંમતનાં મળી આવ્યાં હતાં. પોલીસે પપ,૦૦૦ની રિક્ષા અને વિદેશી દારૂ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, રાજમહેલ રોડ પર પોલીસે આકસ્મિક તપાસ કરતા એક્ટિવા લઈને જતા ૩ યુવકો પાસેથી ત્રણ વિદેશી બોટલની દારૂ મળી આવી હતી.

શિયાબાગના માનસીંગ ગોહેલ, શિયાબાગના કલ્પેશ નાનુભાઈ માળી તથા બાપોદના રહેવાસી વિજય ઉર્ફે લાલુ જયંતીભાઈ કહાર ગઈકાલે રાત્રે નવ કલાકે પોતાના વાહન એક્ટિવા પર બેસી રાજમહેલ રોડ પરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. એ સમયે પોલીસે તેમને આંતરીને તપાસ કરતાં આ યુવકો પાસેથી ત્રણ વિદેશી દારૂની બોટલ કિંમત ૯૦૦ મળી આવી હતી. નવાપુરા પોલીસે ૪પ હજારની કિંમતનું એક્ટિવા અને ત્રણ બોટલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.