ભરૂચની મદ્રેસામાંથી ફરાર ૬ છાત્રો પૈકી ત્રણ વડોદરા સ્ટેશનથી મળ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસે બાળકોના પિતાને જાણ કર્યા બાદ મૌલવીને બોલાવી કબજો સોંપ્યો

ભરૂચ સબજેલ પાસે આવેલી મદ્રેસામાંથી શનિવારે સવારે ૬ વિદ્યાર્થી ભાગી છૂટયા હતાં. જે પૈકી ૩ વિદ્યાર્થી વડોદરા રેલવે સ્ટેશનેથી મળી આવ્યા હતાં. પોલીસે બાળકોના પિતાને જાણ કર્યા બાદ મૌલવીને બોલાવી ત્રણેને કબજો સોંપ્યો હતો. બે દિવસમાં તેમના સ્વજનો આવ્યા બાદ આગળનો નિર્ણય લેવાશે. અલબત્ત, મદ્રેસામાંથી અન્ય ૪ બાળકો પણ ભાગી ગયા હોવાનું બાળકોએ પોલીસને જણાવ્યું હતું.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિ‌તી મુજબ, ભરૂચ સબજેલ પાસેની દારૂલ ઊલુમ એતામા મદ્રેસાની દીવાલ કૂદીને ૬ બાળકો શનિવારે સવારે ભાગી છૂટયા હતાં. ટ્રેનમાં બેસીને તેઓ વડોદરા રેલવે સ્ટેશને પહોંચ્યા હતાં. જે પૈકી ૯ વર્ષીય ૩ બાળક હસીન હારૂન, અબીસાર અબ્દુલ રઝાક અને આદીલ જેકમ (તમામ રહે. હરિયાણા) રેલવે કર્મચારી અફઝલ સૈયદને મળી આવ્યા હતાં. તેમણે ત્રણેની પૂછતાછ કરતા બાળકોએ અમારે ઘરે જવું છે , અમને ટ્રેનમાં બેસાડી દો તેમ કહ્યું હતું.

તેઓ ત્રણે બાળકોને પ્લેટફોર્મ નં.૧ સ્થિત આરપીએફ પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતાં. પોલીસે ત્રણેની પૂછપરછ કરતાં મૌલવી વહેલા ઊઠવા તેમજ અન્ય બાબતે ત્રાસ ગુજારતા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહિ‌ અન્ય ૪ બાળકો પણ ભાગી ગયા હોવાની વાત કરી હતી. પીએસઆઇએ બાળકોના પિતાને જાણ કરતાં તેઓ બે દિવસમાં મદ્રેસા પહોંચશે. તેમણે મદ્રેસાના મૌલવી હશીમભાઇને પણ વાત કરી હતી. મૌલવીએ તેમની મદ્રેસામાં પારિવારિક વાતાવરણ છે. કોઇને ત્રાસ ન અપાતો હોવાનું રટણ કર્યું હતું. પોલીસે મદ્રેસાના મૌલવીને બોલાવી બાળકોના સ્વજનો ન આવે ત્યાં સુધી ત્રણેનો કબજો તેમને સોંપી દીધો હતો.

માતા-પિતાની યાદ આવતા ભાગ્યા હોવાનું અનુમાન
મદ્રેસાના મૌલાના ઓવેશે કહ્યું હતું કે અમારી સંસ્થા અનાથ બાળકોના ભરણપોષણની જવાબદારી સંભાળે છે. બાળકોને ધાર્મિ‌ક ઉપરાંત પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. શનિવારે સવારે સંસ્થામાંથી ૬ બાળકો દીવાલ કૂદીને ભાગી ગયા હતાં. જેમાંથી ૩ બાળક વડોદરા રેલવે સ્ટેશનથી મળી આવતાં તેમનો કબજો મેળવી લેવાયો છે. બાકીના ૩ની શોધખોળ ચાલી રહી છે. ત્રણે હરિયાણાના મેવાસ જિલ્લાના રહેવાસી છે. માતા-પિતાની યાદ આવતી હોવાથી ભાગી ગયા હોવાનું લાગી રહ્યું છે.