મનીષા ચોકડી પાસે ત્રણ યુવકો પર સ્પ્રે છાંટી ફટકાર્યા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પાનમાં તમાકુ નાખવાના મુદ્દે છ મહિના પહેલા મુબીન શેખને ઝઘડો થયો હતો
-ઝઘડાની અદાવતે ત્રણેને મનીષા ચોકડી પાસે બોલીવી આંખમાં સ્પ્રે છાંટતાં બળતરાં
-ત્રણે અસરગ્રસ્તો સયાજીમાં સારવાર હેઠળ

તાંદલજાના મિત્રોમાં પાનમાં તમાકુ નાખવાના મુદ્દે થયેલી તકરારની અદાવતે એક શખ્સે ત્રણ મિત્રોને મનીષા ચોકડી પાસે બોલાવી તેમના મોઢા પર અજાણ્યું સ્પ્રે છાંટી માર માર્યો હતો. સ્પ્રેની અસરથી આંખ અને ચહેરા પર બળતરા થવા લાગતાં ત્રણેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેપી રોડ પોલીસે ત્રણે યુવકોની પૂછતાછ કરી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

શહેરના તાંદલજા અલીફ નગરમાં રહેતો ઇમરાન સિરાજ પઢીયાર અને વિસ્તારમાં જ રહેતો સાહિલ સલીમ કાદરી વોટર પ્રુફિંગનું કામ કરે છે. છ મહિના પહેલા મિત્ર મુબીન શેખ સાથે પાન ખાવા ગયા હતાં. પાનમાં તમાકુ નંખાવવાના મુદ્દે મુબીનને અન્ય મિત્રો સાથે બોલાચાલી થઇ હતી.

આ ઝઘડાની અદાવતે મુબીને આજે તેમને મનીષા ચોકડી પાસે બોલાવ્યા હતાં. ઇમરાન પિઢયાર, ઇમરાન ફારૂક શેખ અને સાહિલ કાદરી બપોરે સાડા બાર વાગ્યે મનીષા ચોકડી પહોંચ્યા હતાં. જયાં તેમની વચ્ચે ઝઘડો થતાં મુબીને અજાણ્યું સ્પ્રે ત્રણેના મોઢા પર છાંટી માર માર્યો હતો.

સ્પ્રેના કારણે ત્રણે મિત્રોની આંખ અને ચહેરા પર બળતરા થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. ઇમરાને જણાવ્યું હતું કે સ્પ્રેની અસરથી મોઢા પર બળતરા થાય છે તેમજ આંખથી ચોખ્ખું દેખાતુ પણ નથી. બનાવ અંગે જેપી રોડ પોલીસે ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ શરૂ કરી છે.