બકરા ચરાવતા વૃદ્ધને દસ કૂતરા ફરી વળતા ગંભીર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કૂતરાથી બચવા ભાગવા ગયેલા વૃદ્ધનું હાડકું ભાગ્યું
-વૃદ્ધની બૂમરાણથી પત્ની પથ્થર લઇ દોડી જતાં કૂતરા ભાગ્યા
-ઘાયલ વૃદ્ધને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા

શહેરના સયાજીગંજ પરશુરામના ભઠ્ઠા પાસે બકરા ચરાવતા વૃદ્ધને આઠથી દસ કૂતરા ફરી વળી બચકાં ભરી લેતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. કૂતરાથી બચવા માટે ભાગવા જતાં વૃદ્ધ નીચે પટકાતા હાડકું પણ ભાગી ગયું હતું. વૃદ્ધની બૂમરાણથી પત્ની પથ્થર લઇને દોડતાં કૂતરા ભાગી ગયા હતાં. ઘાયલ વૃદ્ધને સયાજી હોસ્પિટલમાં ખસેડતા હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા સ્થિત નવીનગરીમાં રહેતા ૮૫ વર્ષીય છાજુરામ નાનકરામ રાજપૂત બકરા ચરાવીને ગુજરાન ચલાવે છે. મંગળવારે બપોરે તેઓ બકરાં લઇને નજીકના કોતરમાં ચરાવવા માટે ગયા હતાં. બકરા ટેકરાં પર ચઢી જતાં વૃદ્ધ લાકડીના ટેકે ઉપર જઇ રહ્યા હતા ત્યારે જ આઠથી દસ કૂતરા ધસી આવ્યા હતાં.
વૃદ્ધે લાકડી વડે ભગાડવાનો પ્રયાસ કરવા છતાં ભૂંરાટ બનેલા કૂતરાઓ વૃદ્ધના પગે વળગી પડ્યા હતાં. પગ પર કૂતરા બચકાં ભરવા માંડતા ભાગવાના પ્રયાસમાં વૃદ્ધ નીચે પટકાતા તેમના હાથનું હાડકું પણ તૂટી ગયું હતું. કૂતરાથી બચવા માટે વૃદ્ધે બૂમરાણ મચાવતા તેમની પત્ની લલીતાબહેન દોડી આવ્યા હતાં. પતિને મુસીબતમાં જોઇ પત્ની હાથમાં પથ્થરો લઇ કૂતરા પાછળ દોડતાં ભાગી ગયા હતાં. વૃદ્ધને લોહી નીકળતી હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડતા હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

પરશુરામ ભઠ્ઠામાં મોટા ડાઘિયા કૂતરા છે. પતિને આઠથી દસ કૂતરા ફરી વળી પગમાં બચકાં ભરી લીધા હતાં. તેમનું હાડકું પણ તૂટી ગયું છે. મેં પથ્થર મારીને કૂતરાને ભગાડ્યા હતાં. અમારા વિસ્તારમાં કૂતરાં અવારનવાર લોકોને બચકાં ભરતા હોવા છતાં કોર્પોરેશન કોઇ કાર્યવાહી નહિ કરતાં રોજ કોઇને કોઇ ભોગ બની રહ્યું છે- લલીતાબહેન રાજપૂત - ઘાયલ વૃદ્ધના પત્ની