વ્યવસાય વેરાના ભરણા માટે રવિવારે કચેરીઓ ચાલુ રહેશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૩૨ કરોડના લક્ષ્યાંક સામે પ્રથમ છ મહિ‌નામાં ૧૬ કરોડની આવક સેવાસદનની હદમાં વ્યવસાય કરતા વ્યવસાયીઓને ભરવાનો થતો વ્યવસાય વેરો ભરવાની મુદત તા.૩૦ના રોજ પૂરી થઇ રહી છે, અને તા.૩૦મીએ રવિવાર હોવાથી રવિવારે તેના ભરણાં માટે તમામ વોર્ડ કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. સને ૨૦૧૧-૧૨ના નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરા પેટે ૩૦ કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો અને રિવાઇઝડ બજેટમાં તેમાં સુધારો કરીને ૨૭ કરોડ કરાયા હતા. આ સુધારા લક્ષ્યાંક સામે સેવાસદનની તિજોરીમાં ૨૮ કરોડની આવક જમા થઇ હતી.વડોદરા સહિ‌ત રાજયભરની મહાનગર સેવાસદનના વિસ્તારમાં દંડનીય વ્યાજ વગર વ્યવસાય વેરો ભરપાઇ કરવાની મુદત દર વર્ષે તા.૩૦ સપ્ટેમ્બરે પૂરી થાય છે. સને ૨૦૧૨-૧૩ના નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરાનો લક્ષ્યાંક ૩૨ કરોડ અપાયો છે અને પ્રથમ છ મહિ‌નામાં તેની ૧૬.૩૨ કરોડની આવક થઇ છે. ૧૮ ટકાના દંડનીય વ્યાજ વગર વ્યવસાય વેરો ભરવાની મુદત તા.૩૦મીએ પૂરી થઇ રહી છે અને તે દિવસે રવિવારની રજા આવે છે ત્યારે નાગરિકોને સુવિધા રહે તે માટે રવિવારે વોર્ડ કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ મામલે મ્યુ.કમિશનર અશ્વિનીકુમારે તાત્કાલિક અસરથી કાર્યાલય આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, જે તે વોર્ડમાં વ્યવસાય વેરો ભરવા વોર્ડ કચેરીનો રેવન્યૂ વિભાગ સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી ચાલુ રહેશે. વ્યવસાય વેરો વસૂલાતના કામે વહીવટી વોર્ડમાં વોર્ડ ઓફિસરને જરૂર જણાય તેટલાં કર્મચારીઓને ફરજ પર બોલાવવાના રહેશે અને જે કર્મચારીઓ પાસે કામગીરી કરાવાય તેમને વળતર રજા આપવાની વ્યવસ્થા પણ જે તે વોર્ડ ઓફિસરે કરવાની રહેશે. હિ‌સાબી શાખાએ ભરણું સ્વીકારવા માટે રવિવારે બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન જરૂરી વ્યવસ્થા ચીફ એકાઉન્ટન્ટે વોર્ડ ઓફિસરના સંપર્કમાં રહીને કરવાની રહેશે. સમગ્ર વ્યવસ્થાનું મોનિટરિંગ જે તે ઝોનના આસિ.મ્યુ.કમિશનર અને વોર્ડ ઓફિસરે કરવાનું રહેશે અને વહીવટી વોર્ડમાંથી હિ‌સાબી શાખાએ ભરણું મૂકવા જવા વ્હીકલ પુલ દ્વારા કુલ ચાર વાહનો ફાળવવાના રહેશે.