• Gujarati News
  • Business Rivalry: Bootlegers Car And Traders Bike Set On Fire

વડોદરામાં ધંધાની હરીફાઇમાં બૂટલેગરની કાર અને વેપારીની બાઇકને આગ ચાંપી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખંડણીખોર મુકેશ હરજાણીના પન્ટર સતિષ ઉર્ફે સત્તોનું કારસ્તાન

ખંડણીખોર મુકેશ હરજાણીના પન્ટર સતીષ ઉર્ફે સત્તોએ વારસિયાના નામચીન બૂટલેગરની કાર અને વેપારીની બાઇક સળગાવી દીધી હતી. દારૂના ધંધાની હરિફાઇમાં જ વાહનોને આગ ચાંપી હોવા છતાં સિટી પોલીસ કારણ સ્પષ્ટ નહિ હોવાના ઊંધા ચશ્મા પહેરાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

વારસિયા અજન્ટા એપાર્ટમેન્ટમાં રહેતા નરેશ ઉર્ફે સોનુ નારાયણદાસ મંગતાણી સંગમ ચાર રસ્તા પાસે પ્યાસા પાન કોર્નરના નામે વ્યવસાય કરે છે. મંગળવારે રાત્રે તેઓ વારસિયા જે.કે.કોર્નર પાસે બાઇક લઇને ઊભા હતા ત્યારે વારસિયા શિવધારા ફ્લેટમાં રહેતો અને ખંડણીખોર મુકેશ હરજાણીનો પન્ટર સતીષ ઉર્ફે સત્તો શંકરલાલ મોહનાની સહિતના યુવકો બે બાઇક પર આવ્યા હતાં.સતિષ ઉર્ફે સત્તો કામ છે, કહી વેપારીની બાઇક લઇ ગયો હતો. અડધો કલાક બાદવેપારીનો મિત્ર ધર્મેશે તેને જાણ કરી હતી કે તમારી બાઇક હરિસેવા સ્કૂલની સામે સળગે છે. દરમિયાન મોડીરાત્રે ૩ વાગ્યાના સુમારે વિસ્તારના જ જગદીશ એપાર્ટમેન્ટ નીચે નામચીન બૂટલેગર લાલુ સિંધીની સ્વીફ્ટ કાર પણ સળગતી હતી. પીએસઆઇ ચૌહાણે પણ કારણ જાણી શકાયું નથી તેમ કહ્યું હતું. જોકે, દારૂના ધંધાની હરિફાઇમાં જ બૂટલેગરની કાર અને વેપારીની બાઇક સળગાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વાડીના હત્યાના ગુનામાં જામીન પર છુટેલા સતિષે દારૂના ધંધામાં પગદંડો જમાવવા માટે હરીફ લાલુ સિંધીને નિશાન બનાવ્યો હોવાની માહિતી મળી છે.

યુવા ભાજપનો મહામંત્રી દારૂ ભાયલીથી લાવેલો
જેપી રોડ પર વૈભવી કારમાં દારૂ-બિયરની મહેફિલ માણતાં ઝડપાયેલા વડોદરા તાલુકા ભાજપના યુવા મહામંત્રીએ ભાયલીથી ચિકનવાળા પાસેથી દારૂની બોટલ અને બિયરનાં ટિન લાવ્યાનીકબૂલાત કરી હતી. બંનેનો જામીન પર છુટકારો થયો હતો.

શહેર પોલીસ કમિશનર સ્કવોડે મંગળવારે રાતે પેટ્રોલિંંગ દરમિયાન જેપી રોડ પર બજાજ શો રૂમ પાસે ચાઈનીઝની લારી પાસે મહિન્દ્રા એક્સ યુ વી કારમાં દારૂની મહેફિલ માણી રહેલા વડોદરા તાલુકા યુવા ભાજપ મહામંત્રી ૩૪ વર્ષીય હિતેન્દ્રસિંહ ફતેસિંહ પરમાર (અંપાડ ગામ, ચંદન ટોકીઝની બાજુમાં) તેમજ ૨૬ વર્ષીય ટ્રાન્સપોર્ટર અજય શિવાભાઈ પ્રજાપતિ (સાંઈસર્જન બંગ્લોઝ, તાંદલજા) ઝડપી પાડ્યા હતા. પોલીસે રોયલસ્ટેગ દારૂની એક બોટલ, બિયરનાં પાંચ ટિન સહિત ૧૪.૬૦ લાખની મતા જપ્ત કરી હતી. પૂછપરછમાં કાર હિતેન્દ્રસિંહની તેમજ દારૂનો જથ્થો ભાયલીમાં ઝમઝમ ચિકનવાળા નુરભાઈ નામની વ્યક્તિ પાસેથી લાવ્યાની કબૂલાત કરી હતી.