બાઇક સવાર પર ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતાં ઘટના સ્થળે મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ડેસર તાલુકાના વરનોલી-ટીમ્બા રોડ વચ્ચે બાઇક-ટ્રક વચ્ચે અકસ્માત
-અકસ્માતના પગલે ઉશ્કેરાયેલા ગ્રામજનોએ અન્ય પસાર થતાં બે ડમ્પરના કાચ તોડી નાંખ્યા

ડેસર તાલુકાના મોટી વરનોલી ટીમ્બા રોડ વચ્ચે ડેસર ગામના જીઇબીના વળાંક પર ટ્રક અને મોટરસાઇકલ સવાર સામેસામે ભટકાતાં મોટર સાઇકલ સવાર પર ટ્રકનું ટાયર ફરી વળતાં ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નીપજ્યું છે. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ અન્ય અવર જવર કરતાં બે ડમ્પરોના કાચ તોડી રોષ વ્યકત કર્યો હતો. પોલીસે ઘટના સબંધી ગુનો નોંધી ફરાર ડમ્પરચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવહી હાથ ધરી છે.

મળતી માહિ‌તી અનુસાર, સાવલીથી છુટા પડેલા ડેસર તાલુકાના મોટી વરનોલી ભગીરતસિંહ ગુણવતસિંહ રાઠોડ ઉ વર્ષ ૧૯, રહે. મોટી વરનોલી તા. ડેસર, પોતાના ગામથી મોટરસાઇકલ નંબર જીજે ૬ ઇસી ૩૭૬૧ લઇને ૪:૩૦ વાગ્યાની આસપાસ ડેસર જઇ રહ્યો હતો. દરમિયાન સામેથી આવતાં પુરઝડપે હંકારનાર ટ્રક નંબર જીજે ૧૭ ટીટી ૨૩૩૩ના ચાલકે કાબુ ગુમાવતાં સામ સામે ભટકાતા અકસ્માત સર્જા‍યો હતો.

જેમાં બાઇક સવાર ભગીરથસિંહ પડી જતાં ટ્રકના તોતીંગ પૈડા ફરી વળતાં આશસ્પદ યુવકનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નીપજ્યુ હતું. ઘટના ના પગલે લોકટોળા ઉમટી પડયાં હતા. ટ્રક ચાલકે અકસ્માત કરતાં ઉશ્કેરાયેલા ગ્રામજ્નોએ અન્ય પસાર થતા બે ડમ્પરોના કાચ તોડીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ઘટના અંગે મરનારના કાકા જગદીશભાઇ સામંતસિંહ રાઠોડની ફરિયાદના પગલે ડેસર પોલીસે ફરાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.