સંગમ ચાર રસ્તા પાસે ઉભી રહેતી લારી મુદ્દે ભાજપના બે જુથમાં ખેંચતાણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હરણી સંગમ ચાર રસ્તા પાસે લારી ગલ્લાના રાજકારણે વિવાદ ઉભો કર્યો છે અને તેમાં ભાજપના બે જુથની જુથબંધી સપાટી ઉપર આવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ,હરણી સંગમ ચાર રસ્તા પાસે ગ્રીનબેલ્ટની ખુલ્લી જગા છે. આ જગા ઉપર કેટલાયે વર્ષોથી લારીઓ ઉભી રહે છે અને તેમને શાસક પાંખના માજી કાઉન્સિલરના છુપા આર્શિવાદ છે. આ સ્થળેથી વારેઘડીએ લારી ગલ્લા હટાવવામાં આવે છે પરંતુ પુન: ત્યાં સ્થાન જમાવી લે છે.

આ વિસ્તારના ભાજપના જ કાઉન્સિલરોની દાળ માજી કાઉન્સિલરના ટેકાવાળા લારીગલ્લા પાસે ગળી ન હતી અને તેના કારણે ગ્રીનબેલ્ટવાળી જગા ફરતે દિવાલ કરવાની દરખાસ્ત સ્થાનિક કાઉન્સિલરે મૂકી હતી. જેમાં ખાતમુહુgત પણ તાજેતરમાં કરવામાં આવ્યું હતુ. આ દિવાલ થવાથી ત્યાં ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓની કાયમી એકઝિટ થઇ જાય તેવી હાલત થઇ હતી.જેથી, આ લારીગલ્લાવાળાઓએ સ્થાનિક કાઉન્સિલરનો સંપર્ક સાધી તેમના મનામણા શરૂ કર્યા હતા. જેના ભાગરૂપે, ગત રાતે એક કાઉન્સિલરના ઘરે બેઠક કરવામાં આવી હતી અને તેમની પણ બે આંખની શરમ ભરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

આ કાઉન્સિલરે તેમના ઓળખીતા ચાર લારીવાળા પણ ત્યાં જ ઉભા રહેશે તેવી મૂકેલી ઓફરની સોદાબાજી કરવામાં આવી હતી. આ સમાધાનના પગલે, ગ્રીન બેલ્ટની જગાની ફરતે દિવાલ બનાવવાની કામગીરી પડતી મૂકવામાં આવી હોવાની વિગત પ્રકાશમાં આવી છે.