વડોદરા જિલ્લા ભાજપનું કોકડું હવે પ્રદેશના હોદ્દેદારો ઉકેલશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ કૌશિક પટેલ અને મહામંત્રી ભરતસિંહ પરમારને કામગીરી સોંપાઇ

વડોદરા જિલ્લા ભાજપમાં ચાલતી જૂથબંધીને કારણે પ્રમુખની નિયુક્તિ ઘોંચમાં પડવાથી પ્રદેશ સ્તરે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સંજોગોમાં જિલ્લા પ્રમુખની નિયુક્તિના મુદ્દે ગૂંચવાયેલું કોકડું ઉકેલવાની જવાબદારી પ્રદેશ ભાજપના બે હોદ્દેદારોને સોંપાઇ હોવાની વિગતો જાણવા મળી છે.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા માર્ચ મહિ‌નાના અંતમાં રાજ્યનાં મહાનગરો, નગરો, જિલ્લા અને તાલુકા ભાજપ પ્રમુખોની નિયુક્તિ કરી દેવાઇ હતી. પરંતુ વડોદરા સહિ‌ત રાજ્યના ૭ જિલ્લામાં પ્રમુખની જાહેરાત યેનકેન પ્રકારે હજુ સુધી થઇ શકી નથી. વડોદરા જિલ્લામાં પ્રમુખની નિયુક્તિ જિલ્લા ભાજપમાં ચાલી રહેલી જૂથબંધીને કારણે નહીં થઇ શકતાં આ મુદ્દો પ્રદેશ ભાજપના મોવડીઓ માટે ત્રાસરૂપ બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂથબંધી અને જિલ્લા ભાજપ સંગઠન વિરુદ્ધની નારાજગીને કારણે જિલ્લા પંચાયતના ભાજપના ૨૨ સભ્યોએ સમિતિઓમાંથી રાજીનામાં આપ્યાં હતાં. એટલું જ નહીં, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ હોળીના દિવસે જ કાર્યકરોને એકત્ર કરી જિલ્લા ભાજપ સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવાનો અનુરોધ પ્રદેશ મોવડીઓને કર્યો હતો. દરમિયાન પ્રદેશ ભાજપના હોદ્દેદારોની નિયુક્તિ થયા પછી પણ પ્રદેશ મોવડીઓ દ્વારા જિલ્લા પ્રમુખની નિયુક્તિ નહીં થતાં જિલ્લાના ભાજપ અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરોમાં સળવળાટ શરૂ થયો છે.

જે અંતર્ગત જિલ્લાના આગેવાનોના પ્રતિનિધિ મંડળે પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુને રૂબરૂ મળી પ્રમુખની નિયુક્તિ વહેલી તકે કરી દેવાની માગણી કરી હતી. જેનો હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો હતો. જિલ્લાના આગેવાનોની આ મુલાકાત બાદ પ્રદેશ ભાજપના બે હોદ્દેદારો ઉપપ્રમુખ કૌશિક પટેલ અને મહામંત્રી ભરતસિંહ પરમારને વડોદરા જિલ્લાની જૂથબંધી ડામી દઇ વિવાદ ઉકેલવાની કામગીરી સોંપાઇ હોવાનું ભાજપનાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જેને પગલે પ્રમુખ બનવા આગેવાનોએ લોબિંગ કરે તેવા નેતાઓનો સંપર્ક શરૂ કરી દીધો છે.