BCAએ ૮.૨૨ કરોડના બાઉન્સ્ડ ચેકની કાર્યવાહી માટે વકીલ રોકયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડા ક્રિકેટ એસોસિયેશનની મેનેજિંગ કમિટિની આજે અહીં મળેલ મીટિંગમાં ક્રિકેટ સ્ટેડિયમ માટે સાંકરદા ખાતે બીસીએ દ્વારા કરાયેલ જમીનનો સોદો રદ થતાં જમીન માલિકે આપેલ ૮.૨૨ કરોડનો ચેક બાઉન્સ થવા અંગે જમીન માલિક સામે કાર્યવાહી કરવા માટે વકીલની નિમણૂક કરવામાં આવી છે.

બીસીએ દ્વારા ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે સાંકરદા ખાતે ૧૦૦ એકર જમીનનો સોદો અરવિંદ જાની સાથે કરવામાં આવ્યો હતો.પરંતુ એ જમીન વિવાદી નીકળતાં બીસીએ દ્વારા જમીન ખરીદીનો સોદો રદ કરાતાં અરવિંદ જાની દ્વારા બીસીએને તેમણે આપેલ ૮.૨૨ કરોડની રકમ પરત આપવા માટે તા.૧પ મે ૨૦૧૪નો ચેક આપવામાં આવ્યો હતો. તા. ૨૦મેના રોજ બીસીએ દ્વારા ચેક બેંકમાં જમા કરાવવામાં આવતાં ચેક બાઉન્સ થયો હતો. જેથી આજે મંગળવારના રોજ બીસીએની મેનેજિંગ કમિટિની મીટિંગ મળી હતી. જેમાં મેનેજિંગ કમિટિ દ્વારા અરવિંદ જાની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એડવોકેટ વિજય શર્કિેની વરણી કરવામાં આવી હતી. મેનેજિંગ કમીટીએ બહુમતીએ વકિલ નિમીને કાર્યવાહી કરવાનું નકક્ી કર્યું હતું. બીસીએ સત્તાવાળાઓ દ્વારા હવે એડવોકેટ સાથે મળીને ટૂંક સમયમાંજ અરવિંદ જાની સાથે ચેક બાઉન્સ અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ બીસીએ ખજાનચી અમૂલ જીકરે એક મુલાકાતમાં જણાવ્યું હતું.
પ દિવસ મોડો ચેક જમા કરાવવા છતાં બાઉન્સ થયો હતો

જમીન માલિક અરવિંદ જાની દ્વારા બીસીએને તા.૧પ મે ના રોજ ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ તા.૧૩ મેના રોજ અરવિંદ જાનીએ કહ્યું હતું કે, તા.૧પ મેના રોજ ચેક જમા કરાવશો નહીં. જેથી બીસીએ દ્વારા તેમના એડવોકેટની સલાહ મુજબ પાંચ દિવસ મોડો એટલે કે તા.૨૦ના રોજ ચેક જમા કરાવવામાં આવ્યો હતો. છતાં ચેક બાઉન્સ થતા બીસીએ દ્વારા અરવિંદ જાની સામે કાયદેસરના પગલાં લેવાની નક્કી કરાયું હતું.