ચિરાયુ અમીન સાથે માંધાતાઓની હાજરી: રણજી દર્શન કે શક્તિ પ્રદર્શન?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અંશુમન ગાયકવાડ. કિરણ મોરે, નયન મોગિયા, નારાયણ સાથમ અને સ્નેહલ પરીખ ચિરાયુ સાથે હરોળમાં બેઠા

બરોડા-યુપી રણજી ટ્રોફિ મેચનો આજે અંતિમ દિવસ અને નિર્ણાયક દિવસ હતો,બરોડા હારે એવી શક્યતા વધુ હતી એવા સંજોગોમા બીસીએના પ્રમુખ ચિરાયુ અમિન અને તેમની સાથે મોટા ભાગના સિનિયર્સ મેદાન પર મેચ જોવા માટે હાજર રહ્યાં, આ સિનીયર્સમાં અંશુમન ગાયકવાડ. કિરણ મોરે, નયન મોગિયા, નારાયન સાથમ, બરોડા ટીમના ૭૦ના દાયકાના વિકેટકિપર લેસ્લી ફર્નાન્ડિઝ, સેસિલ વિલિયિમ્સ, બીસીએના પૂર્વ સેક્રટરી સ્નેહલ પરીખ સહિ‌તના સિનિયરોએ હરોળમાં બેઠા હતા.

આ રીતે હાજરી આપીને બીસીએની બીજી લોબીને 'હમ સાથસાથ હૈ’નું શકિત પ્રદર્શન કર્યુ હોવાનું ક્રિકેટ વતૂર્‍ળમાં ચર્ચાય છે. ડિસેમ્બરમાં ૨૨ તારીખે બીસીએની ચુંટણી હોઇ શકે છે એવી જાહેરાત બીસીએની મેનેજિંગ કમિટિની ગત બેઠકમાં કરવામાં આવી હતી. બીસીએની ચુંટણીમાં સ્પષ્ટ પણે બે ગ્રૂપ પડી ગયા છે. એક ગ્રૂપ હાલ બીસીસીઆઇના મંત્રી સંજય પટેલ સાથે છે. જેમાં મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ પણ હોવાનું નક્કી મનાય છે.

જ્યારે બીજું ગ્રૂપ ચિરાયુ અમિનનું ગણાય છે.મોતીબાગ મેદાન પર અનેક રણજી મેચો રમાઇ ચૂકી છે પરંતુ ક્યારેય ચિરાયુ અમિન અને સિનિયર ક્રિકેટરો આ રીતે જાહેરમાં દેખાયા નથી. ગત ચુંટણી સમયે એવી વાત વહેતી થઇ હતી કે ચિરાયુ અમિનની બીસીએ પ્રમુખ તરીકેની આ અંતિમ ટર્મ છે. જો કે આજની ઘટના બાદ ચિરાયુ અમિન બીસીએ પ્રમુખની રેસમાં હોવાનો અને તેમની સાથે શહેરના સિનીયર્સ હોવાનો મેસેજ પહોંચ્યો છે.