દાદાગીરીઃ પ લાખ માગી માતા-પુત્ર પર હુમલો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વેપારી પાસેથી ખંડણી ઉઘરાવવા માથાભારે અજ્જુ અને જાવેદની દાદાગીરી

મોગલવાડા ખાટકીવાડામાં ૨૭ લાખનું મકાન ખરીદનાર વેપારી પાસેથી પ લાખ લેવા માટે તેના ટેમ્પોમાં કામ કરતા યુવકને તું પૈસા લઇ આપ કહી માર માર્યો હતો. પુત્રને છોડાવવા વચ્ચે પડેલી માતાને પણ ફટકારી હતી. યુવકે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ માથાભારે બંને શખ્સ તડીપાર હોવા છતાં વિસ્તારના લોકો પાસે ખંડણી ઉઘરાવતા હોવાની પોલીસ કમિશનરને રજૂઆત કરતાં પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.

મોગલવાડા ખાટીકાવાડમાં રહેતો અબ્દુલ રહેમાન મહંમદ યુસુફ કુરેશી મહોલ્લામાં જ રહેતા સરફરાઝ ફકીર મોહંમદના ટેમ્પોમાં મુરઘી ભરવાનું કામ કરે છે.તેમના શેઠે મહોલ્લામાં જ અબ્દુલ રસીદ મનસુરીનું મકાન ૨૭ લાખમાં ખરીદ્યું હતું. મંગળવારે રાત્રે ટેમ્પોમાં મજૂરી કરી પરત ફરતાં ઘર પાસે પાનકા મહોલ્લાના માસૂમ ચેમ્બર્સમાં રહેતો અજ્જુ ઉર્ફે કાણિયો મોહંમદ સિંધી અને મેમણ કોલોનીમાં રહેતો જાવેદ ઉર્ફે પિન્ટુ અબ્દુલ સત્તાર પાઇપ લઇને ઊભા હતાં.

તારા શેઠે મહોલ્લામાં મકાન લીધું છે, તેના પેટે ૪-પ લાખ લેવાના છે, જે તું લઇને આપ તેમ કહ્યું હતું. યુવકે ઇનકાર કરતાં અજ્જુએ તેને લાફા ઝીંકી દીધા હતાં. તેની માતા છોડાવવા જતાં તેને ધક્કો માર્યો હતો તેમજ તેમને જાનથી માર નાખવાની ધમકી આપી હતી. બુધવારે સવારે તેમના શેઠ લગ્નમાંથી પરત ફરતાં તેમને જાણ કરી વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.