ડ્રેનેજ સમસ્યાના ઉકેલ માટેના APSનું સ્થળ બદલાતાં ખર્ચ બમણો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કારેલીબાગની સમસ્યાના નિકાલ માટે ૧૨.પ૭ કરોડના ખર્ચનો વર્કઓર્ડર અપાયો હતો
- શિવાલય ચાર રસ્તાથી પાણીની ટાંકી સુધી પંપિંગ સ્ટેશન બનાવવાની હિ‌માયત કરાઈ હતી
- સ્થાનિક રહીશોના વિરોધને પગલે હવે હરણી ઇન્દ્રપુરી સોસાયટી પાસે પંપિંગ સ્ટેશન બનાવાશે


કારેલીબાગ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાના ઉકેલ માટે એપીએસ બનાવવા માટેનુ સ્થળ બદલવામાં આવતા તેના કારણે તેના ખર્ચામાં બમણો વધારો કરવો પડયો છે અને તેને મંજરીની મહોર પણ મારવામાં આવી છે.કારેલીબાગ વિસ્તારના ડ્રેનેજના પ્રશ્નોના નિકાલ માટે સેવાસદન દ્વારા ટેક્નિ‌કલ સલાહકાર એજન્સીને જવાબાદરી સોંપવામાં આવી હતી અને તેમણે ફેઝ-૧માં મુખ્ય ડ્રેનેજ લાઇન શિવાલય ચાર રસ્તાથી શરૂ કરી પાણીની ટાંકી સુધી પંપિંગ સ્ટેશન બનાવી ત્યાંથી માણેકપાર્ક સુધી પ્રેશર લાઇન નાંખવાનું આયોજન કર્યુ હતું. આ મામલે ૧૨.પ૭ કરોડના ખર્ચનો વર્કઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો અને તેને જૂન-૨૦૧૩માં મંજૂરી આપવામાં આવી હતી.
પરંતુ, પાણીની ટાંકીના પ્લોટની બાજુમાં પંપિંગ સ્ટેશન બનાવવા સામે સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવતાં બીજા પ્લોટની પસંદગી કરવામાં આવી હતી. જોકે ત્યાં પણ ભવિષ્યમાં ફાયર સ્ટેશન બનાવવાનું હોવાથી આખરે ત્રીજા પ્લોટની પસંદગી કરવાનો વારો આવ્યો હતો. જેથી, ઇન્દ્રપુરી એપીએસ નજીકના પ્લોટ પર પંપિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ જગાએ પંપિંગ સ્ટેશન બનાવવાથી વરસાદી ગટરને શિફટ કરવાની, પ્રાઇવેટ કમ્પાઉન્ડ વોલ બનાવી આપવાની અને ટેન્ડરમાં અગાઉ મંજૂર કરવામાં આવેલા જથ્થામાં પણ વધઘટ હોવાથી મૂળ અંદાજની સામે ૧પ ટકા પ્રાઇઝ એસ્કેલેશન સાથે ૨૧.૯૦ કરોડનું ટેન્ડર મંજૂર કરવા માટે સ્થાયી સમિતિ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી.