• Gujarati News
  • વડોદરાથી 13 બાઇકની ચોરીમાં વાહનચોર ઝડપાયો

વડોદરાથી 13 બાઇકની ચોરીમાં વાહનચોર ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદજિલ્લાના સીમળિયાબુઝર્ગ ગામના એક યુવકની પોલીસે શંકાના આધારે ધરપકડ કરીને પુછપરછ કરતાં તેણે વડોદરા શહેરમાંથી 13 મોટર સાઇકલની ચોરી કરી હોવાનું સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દોઢ વર્ષ બાદ જેલમાંથી છુટ્યા બાદ તે પુન: ધંધામાં લાગી ગયો હતો. ગરબાડા પોલીસે યુવક પાસેથી મોટર સાઇકલ કબજે લઇને આગળની પુછપરછ હાથ ધરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર દાહોદ જિલ્લામાં વાહન ચોરીના બનાવો વધતાં પોલીસ વડા મયંકસિંહ ચાવડાની સુચનાના આધારે ગરબાડા પીએસઆઇ આર.એસ પટેલ અને તેમની સ્પેશ્યલ ટીમે ગરબાડા તાલુકાના સીમળિયા બુઝર્ગ ગામે તળાઇ ફળિયામાં કોમ્બિંગ કર્યું હતું.ત્યાં 27 વર્ષિય સુરેશ ઉર્ફે નબળો રામચંદ પરમારની એક નંબર વગરની ડિસ્કવર મોટર સાઇકલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. મોટર સાઇકલ અંગે પુછપરછ કરતાં તેની પાસે કોઇ પુરાવા મળ્યા હતાં જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરેશની પુછપરછ બાદ પોલીસે તેણે જુદી-જુદી જગ્યાએ આપી રાખેલી મોટર સાઇકલો કબજે લીધી હતી. તમામ મોટર સાઇકલ વડોદરાના વેમાલી, કેનાલ, સોખડા સહિતના સ્થળોએથી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત તેણે વડોદરા કમિશનરરેટ વિસ્તારમાંથી અન્ય નવ મોટર સાઇકલ પણ ચોરી હોવાની કબૂલાત કરી હતી. મોટર સાઇકલનું લોક તોડીને વાયરો જોડીને તેને ચાલુ કરીને ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતો સુરેશ ભૂતકાળમાં વડોદરા શહેરની મોટર સાઇકલની ચોરીના 22 ગુનામાં પકડાયો હતો. જેથી કોર્ટે તેને દોઢ વર્ષની સજા ફટકારી હતી. સુરેશ ત્રણ મહિના પહેલાં જેલમાંથી છુટ્યો હતો અને તેણે ફરીથી ચોરીનો ધંધો શરૂ કરી દીધો હતો.

વડોદરામાંથી 13 મો.સાઇકલ ઉઠાવનાર યુવક ઝડપાયો. / સંતોષજૈન