• Gujarati News
  • વડતાલ મંદિરમાં ‘સદગુરુ સ્મૃતિ મહોત્સવ’ ઉજવાશે

વડતાલ મંદિરમાં ‘સદગુરુ સ્મૃતિ મહોત્સવ’ ઉજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડતાલતીર્થધામ સ્વામીનારાયણ મંદિર ખાતે આગામી તા.4,નવેમ્બરના રોજ સવારે 9.00 કલાકે મંદિરમાં આવેલ હરિકૃષ્ણ મહારાજ-રાધાકૃષ્ણ દેવ, રાજા રણછોડરાય-લક્ષ્મીનારાયણ તથા વાસુદેવ ધર્મદેવ ભકિતમાતા ત્રણેય નૂતન સુવર્ણદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પૂ.રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષપદે સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામને આંગણે પૂ.બ્રહ્મનિષ્ઠ નંદકિશોરદાસજી સ્વામીની પુણ્યતિથિમાં, પૂ.ભકિતકિશોરદાસજી સ્વામી, પૂ.નિન્નમુક્તદાસજી સ્વામી, પૂ.યોગીવલ્લભદાસજી સ્વામી વગેરે મુક્તોના પુણ્યસ્મરણ સાથે કારતક સુદ-9 શ્રીહરિજયંતી તા.1 થી 6 નવેમ્બર સુધી ‘સદગુરુ સ્મૃતિ મહોત્સવ-2’નું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ પ્રસંગે ‘શ્રીમદ્ સત્સંગિજીવન પ્રથમ પ્રકરણ જ્ઞાનયજ્ઞ’ યોજાશે. પવિત્રાનંદ સ્વામી નિર્મિત સભામંડપમાં વ્યાસપીઠ પરથી વડતાલ વિકાસના પુરસ્કર્તા, કથાવાર્તાના માધ્યમે હજારો હરિભક્તોને હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠા કરાવનારા સત્સંગિજીવન મર્મજ્ઞ સંપ્રદાયના વકતા પૂ.ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી તથા તેમના શિષ્ય પૂ.સુવ્રતવલ્લભદાસજી સ્વામી બિરાજી પોતાની આગવી શૈલીમાં કથામૃતનું રસપાન કરવાશે.

વડતાલ,સ્વામીનારાણ મંદિરના મંહત પૂ. શ્યામસ્વામીજીએ જણાવ્યું હતુ કે સ્વામીનારાયણ સંપ્રદાયની રાજધાની એટલે કે વડતાલ ધામ, વડતાલ ધામના દ્વારો સુવર્ણના થયા જેમાં સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયના તમામ સંતો અને ભક્તોનો ખૂબ ભક્તિભાવ, શ્રદ્ધા અને નિષ્ઠાના દર્શન આપણે સૌને થઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે સદગુરુ સ્મૃતિ મહોત્સવનાં પ્રસંગે કથા પારાયણ, પાટોત્સવ મહાઅભિષેક, દિવ્ય અન્નકૂટ દર્શનભવ્ય શોભાયાત્રા-જળયાત્રા યોજાશે.