• Gujarati News
  • તલવાર પાઇપો સાથે ધસી ગયેલા બિચ્છુ ગેંગના 4 પંટરોની ધરપકડ

તલવાર-પાઇપો સાથે ધસી ગયેલા બિચ્છુ ગેંગના 4 પંટરોની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાફતેપુરા વિસ્તારમાં ધૂળધોયાવાડમાં ગત સોમવારે બપોરે ખુલ્લી તલવાર અને પાઇપો સાથે પહોંચેલા ચાર શખ્સોએ યુવાનને છોકરીના મામલે ધમકી આપ્યા બાદ મહોલ્લાનાં લોકો એકત્ર થઇ જતાં ચારેય શખ્સ ફરાર થઇ ગયા હતા. સિટી પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને અદાલતમાં રજૂ કરતાં ચારેયનો જામીન પર છુટકારો થયો હતો . જો કે પોલીસે અટકાયતી પગલાં લઇને ફરીથી આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ આરોપીઓને લઇને કોર્ટ સંકુલની બહાર નીકળી ત્યારે બહાર ઊભેલી મહિલાઓએ હંગામો કર્યો હતો. ઘટનાના પગલે ટ્રાફક જામ પણ થઇ ગયો હતો.

ફતેપુરા વિસ્તારમાં ધૂળધોયાવાડમાં રહેતા ઇમ્તીયાઝ રહીમમિયાં મલેકે સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સાડા બાર વાગ્યે તે મૈયતમાંથી પરત આવ્યો હતો ત્યારે મહોલ્લામાં રહેતો સુલતાન યુસુફમિયાં શેખ( ધૂળધોયાવાડ), મહમંદ ઇશાક ઉર્ફે લાલા મહંમદ સાદિક દૂધવાલા (રહે યાકુતપુરા), મોહસિન ઉર્ફે ડોન જહીરમિયાં શેખ (રહે,નાની છીપવાડ) તથા તોસીફ ઉર્ફે ભૂરિયા સબ્બીર મલેક (રહે, નાની છીપવાડ) તેમના હાથમાં તલવારો અને લોખંડની પાઇપો સાથે આવ્યા હતા અને સુલતાનને જણાવ્યું હતું કે તું રુબીના સાથે કેમ વાતો કરે છે. શખ્સો ત્યારબાદ ઉશ્કેરાઇ ગયા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી .તે સમયે મહોલ્લાના લોકો આવી જતાં ચારેય શખ્સ ફરાર થઇ ગયા હતા. સુલતાન, ઇશાક અને ભૂરિયાના હાથમાં લોખંડની પાઇપો અને મોહસીન ઉર્ફે ડોનના હાથમાં તલવાર હોવાનું ઇમ્તીયાઝે પોલીસને જણાવ્યું હતું. ચારેય શખ્સ બિચ્છુ ગેંગના સાગરીત હોવાનું બહાર આવ્યું હતું.આ ઘટના બાદ સિટી પોલીસે ગુરુવારે તમામ આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યા હતા જ્યાં તમામનો જામીન પર છુટકારો થયો હતો. જો કે પોલીસે ત્યારબાદ તમામ ચારેય આરોપીની કલમ 151 મુજબ અટકાયત કરી હતી.