• Gujarati News
  • મતદાર યાદી શુદ્ધતા માટે તા.12 એપ્રિલે 2276 બૂથ પર કેમ્પ યોજાશે

મતદાર યાદી શુદ્ધતા માટે તા.12 એપ્રિલે 2276 બૂથ પર કેમ્પ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનાચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં મતદાર યાદી શુદ્ધતા અને અધિકૃતતા કાર્યક્રમ શરૂ કરાયો છે. મતદાર યાદીઓ ક્ષતિરહિત અને સંપૂર્ણ બને તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વડોદરામાં રવિવાર તા.12 એપ્રિલે શહેર-જિલ્લાનાં તમામ 2276 મતદાન સ્થળોએ સવારે 10.30 થી સાંજે 5.30 સુધી ખાસ કેમ્પનું આયોજન કરાયું છે.

કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે, તા.12 એપ્રિલના રોજ તમામ મતદાન સ્થળો ઉપર બૂથ લેવલ ઓફિસર(બી.એલ.ઓ.) તેમને સુપરત કરવામાં આવેલ ભાગના બીએલઓ રજિસ્ટર સાથે સમગ્ર સમય દરમિયાન હાજર રહી મતદારોને માર્ગદર્શન આપશે. મતદાર યાદી-બૂથ લેવલ રજિસ્ટરની ચકાસણી દરમિયાન કોઇ ભૂલ ધ્યાને આવે તો તે સુધારવાની કાર્ય‌વાહી માટે સ્થળ ઉપર ફોર્મ નં.8 ભરાવીને તે બી.એલ.ઓ.ને પરત અાપી શકાશે. મતદાર પાસેથી આધાર નંબરની નોંધ પણ બી.એલ.ઓ.રજિસ્ટરમાં થશે.

ઉપરાંત તા.1-1-2015 ની લાયકાતની તારીખે લાયક નાગરિકનું નામ મતદાર યાદીમાં નોંધાવેલ ના હોય તો ફોર્મ નં.6 ભરાવીને આધાર પુરાવા સાથે બી.એલ.ઓ.દ્વારા તે પરત મેળવાશે. મતદાર સ્થળાંતર કરી ગયેલ હોય અથવા કોઇ મતદારનું અવસાન થયેલું હોય તો ફોર્મ નં.7 ભરાવીને જરૂરી આધાર પુરાવા સાથે બીએલઓ દ્વારા પરત લેવાશે.

ખાસ કેમ્પની કાર્યવાહી બાદ બીએલઓ દ્વારા તા.16 એપ્રિલથી તા.15 જૂન સુધી મતદારના ઘરની મુલાકાત લેવામાં આવશે. જે દરમિયાન બીએલઓ રજિસ્ટરની વિગતોની મતદાર પાસેથી ચકાસણી કરાશે તથા આધાર કાર્ડ સહિતની વિગતો મેળવાશે. મતદાર યાદી શુદ્ધતા અને અધિકૃતતા કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં નોંધાયેલાં મતદારો કે જેમણે આધાર કાર્ડ મેળવ્યાં છે, તેઓએ આધાર નંબર અચૂકપણે નોંધાવવા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.

મતદારોને આધાર નંબર નોંધાવવા અનુરોધ

વડોદરા જિલ્લામાંમતદાર યાદી શુદ્ધતા અને અધિકૃતતા કાર્યક્રમ દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ માધ્યમો દ્વારા આધાર નંબર નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. જેનો ઉપયોગ કરી મતદારોને તેમનો આધાર નંબર નોંધાવવા અનુરોધ કરાયો છે. મતદારોને તેમનો આધાર નંબર નોંધણી કરાવવા માટે વેબસાઇટ www.ceo.gujarat.gov.in પર લોગીન કરીને કાર્યવાહી કરવા જણાવાયું છે. ઉપરાંત 51969 ઉપર ECI linkએસએમએસ કરીને નોંધણી કરાવી શકાશે. જ્યારે ટોલ ફ્રી નંબર 1950 ઉપર કામકાજના સમયે ફોન કરીને નોંધણી થઇ શકશે. ઉપરાંત તા.12 એપ્રિલ ને રવિવારે મતદાન સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લઇને બી.એલ.ઓ.ને નંબર આપી નોંધ કરાવી શકાશે. જ્યારે તા.16 એપ્રિલથી તા.15 જૂન દરમિયાન બીએલઓ દ્વારા મતદારના ઘરની મુલાકાત લેવામાં આવે ત્યારે તેઓને રૂબરૂ માહિતી આપીને મતદાર તેમનો આધાર કાર્ડ નંબર નોંધાવી શકાશે.

વડોદરા