• Gujarati News
  • ફતેગંજમાં કારની ટક્કરે 3 ફંગોળાયા : 1 મોત

ફતેગંજમાં કારની ટક્કરે 3 ફંગોળાયા : 1 મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનોજના પરિવારજનોમાં આક્રંદ

ફતેગંજખાતે ગુરુવારે રાત્રે મિત્ર સાથે વાત કરવા ઊભેલા બે યુવકો સહિત તેમના મિત્રને પણ પુર ઝડપે આવતાં કાર ચાલકે અડફેટે લઈ લીધા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એક યુવકનું મોત થયું હતું. સયાજીગંજ પોલીસે વધુ કાર્યવાહી કરતાં કાર ચાલક યુવકને ઝડપી પાડી કાર જપ્ત કરી હતી.

વારસિયા આરટીઓ પાસેની કૈલાસધામ સોસાયટીમાં રહેતાં 31 વર્ષીય મનોજ હિરાલાલ નાનકાણી ખાનગી એમ્પોરિયમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતાં હતા. તેઓ ત્રણ ભાઈ અને ત્રણ બહેન છે. તેમના પિતાનું અગાઉ અવસાન થયું હતું. ગુરુવારે તે હરણી ખાતે રહેતાં પોતાના મિત્ર સુનિલ પ્રકાશ ચંદ્ર શાહને મળવા તેની ઓફીસ પર ગયો હતો. સુનિલ રેલવે ટીકીટ બુકીંગનું કામ કરતો હોઈ જ્યારે તેઓ બંને મળ્યા ત્યારે સુનિલ પર જાવેદ નામના તેમના ગ્રાહકનો ફોન આવ્યો અને ટિકીટના રૂપિયા ફતેગંજ નજીકના સરદારબજારના નાકા પાસેથી લઈ જવા જણાવ્યું હતું. મનોજને બાઈક પર બેસાડી સુનિલ રૂપિયા લઈ પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ફતેગંજ ખાતે આવેલી કાસા હોટલ પાસે સુનિલનો મિત્ર આસીફ મુસ્તાકભાઈ શેખ (રહે ગોરવા ફાનમા રેસી.) મળ્યો હતો. મિત્રને જોતાં તેણે રોડની સાઈડ પર બાઈક ઊભુ રાખી તેની સાથે વાતચિત કરવાનું શરૂ કર્યું હતું. મિત્રો વાત કરી રહ્યા હતા ત્યારે પુર ઝડપે આવતી સ્વિફ્ટ કારના ચાલક જીગ્નેશ વિઠ્ઠલભાઈ પટેલ (રહે દિવાળીપુરા)એ તેમને અડફેટે લઈ લીધા હતા. અકસ્માતમાં મનોજ, સુનિલ અને આસિફ ત્રણેય યુવાનો સહિત તેમનું બાઈક પણ ફંગોળાઈ ગયું હતું. જેને પગલે ત્રણેય યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મનોજનું મોત થયું હતું. બનાવને પગલે સયાજીગંજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતાં જીગ્નેશની ધરપકડ કરી હતી તથા સ્વિફ્ટ કાર કબજે કરી હતી.

ઘટના ક્રમ

કંઇ સમજાય તે પહેલા ફંગોળાઇ ગયા

ઈજાગ્રસ્તસુનિલેપોલીસ સમક્ષ જણાવ્યું હતું કે અમે બાઈક લઈને રોડની સાઈડમાં મિત્ર આસિફને મળવા ઊભા રહ્યા હતા. દરમ્યાન પુર ઝડપે ફતેગંજ પેટ્રોલપંપ તરફથી નરહરી સર્કલ તરફ જતી સ્વિફ્ટ કારના ચાલકે પાછળથી મારા બાઈકને ટક્કર મારી હતી. જેમા આસીફ અને મનોજને ગંભીર ઈજાઓ થઈ હતી. અમે દુર સુધી ફેંકાઈ ગયા હતા. અને બાઈક પણ ફંગોળાયું હતું. જોકે મને સાધારણ ઈજા થઈ હતી.

કારચાલક જીગ્નેશ