• Gujarati News
  • ~1 લાખની ઉઘરાણી માટે યુવકનું અપહરણ : નાટ્યાત્મક છુટકારો

~1 લાખની ઉઘરાણી માટે યુવકનું અપહરણ : નાટ્યાત્મક છુટકારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યાજેલીધેલા ~1 લાખ પરત નહિ કરી શકતા અમદાવાદનો યુવક આજવા રોડ સ્થિત કાકાના ઘરે રહેવા આવી ગયો હતો. ગુરુવારે મોડી રાત્રે કાર લઇને આવેલા 4 શખ્સોએ ઘરમાં ઘૂસી જઇ નિદ્રાધીન યુવકને ઉઠાડી કારમાં બેસાડીને ફરાર થઇ જતાં કાકાએ કિશનવાડી પોલીસ સ્ટેશનમાં ભત્રીજાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ પોલીસે ઘોંસ વધારતા ગભરાઇ ગયેલા અપહરણકારો યુવકને અમદાવાદ સ્થિત તેના ઘરે મૂકીને રફૂચક્કર થઇ ગયા હતાં. પોલીસે 4 અપહરણકારોની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

આજવા રોડ એકતનાગર પાસેના સંગમ ક્વાટર્સમાં રહેતા ખાનુભાઇ થાવરદાસ લાલવાણી શાકભાજીનો વેપાર કરે છે. તેમનો નાનોભાઇ જેઠા લાલવાણી અમદાવાદ હાથીજણના વિવેકાનંદ નગર ખાતે રહે છે. તેમનો 22 વર્ષીય પુત્ર મનીષ છેલ્લા 4 મહિનાથી કાકા ખાનુભાઇના ઘરે રહે છે. મનીષે અમદાવાદના શખ્સ પાસેથી ~1 લાખ વ્યાજે લીધા હતા. રૂપિયા પરત આપી શકતા તેને વ્યાજખોરો માર મારશે તેવા ડરથી તે વડોદરા રહેવા આવી ગયો હતો અને મંગળબજારમાં રેડીમેડની દુકાનમાં નોકરી કરતો હતો.

ગુરુવારે મોડી રાત્રે પોણા બે વાગ્યાના સુમારે અચાનક ઘરનો દરવાજો ખખડતા ખાનુભાઇએ ઊંઘમાંથી ઉઠીને દરવાજો ખોલતા 4 શખ્સો ઘરની બહાર ઊભા હતાં. જે પૈકી એક ખાનુંભાઇ કોણ છે તેમ પૂછતા તેમણે હું છું તેમ કહેતા તેઓ ઘરમાં ઘૂસી ગયા હતા અને બીજા રુમમાં સૂઇ રહેલા મનીષની ફેંટ પકડી ઊભો કરી દીધો હતો. તેને ઘરમાંથી બહાર કાઢી લઇ જતા હતા ત્યારે તમે આવું કેમ કરો છો તેમ કહેતા અમારા પૈસા આપી દો તો મનીષને છોડી દઇશ તેમ કહી કારમાં અપહરણ કરી રવાના થઇ ગયા હતાં. ઘટના અંગે કાકાએ હાથીજણના અનિલ અને બબલુ સામે કિશનવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ સહિતનો સ્ટાફ એકશનમાં આવી ગયો હતો.

પીઆઇ વાઘેલાએ અપહરણકારનો નંબર મેળવીને કોલ કરતા તેઓ ગભરાઇ ગયા હતા અને યુવકને ટુકડે-ટુકડે પૈસા આપી દેજે કહી અમદાવાદ સ્થિત તેના ઘરે મૂકીને રફૂચક્કર થઇ ગયા હતાં. પીએસઆઇ જે.જી. ગામીતે કહ્યું હતું કે અપહ્યત યુવકો છૂટકારો થયો છે. અપહરણકારોની શોધખોળ કરી રહ્યા છે. અનિલ અને બબલુ વ્યાજનો ધંધો કરતા હોવાનું જાણવા મળ્યું છે.

હાઇવે પર ઉતારીને માર માર્યો હતો

ભત્રીજામનીષનું ઘરેથી અપહરણ કરીને ગયા બાદ તેને હાઇવે પર કારમાંથી ઉતારીને માર માર્યો હતો. પોલીસે ફોન કરતા ગભરાઇને તેઓ મારા ભાઇના ઘરે જઇને મૂકી આવ્યા હતાં. > ખાનુભાઇલાલવાણી, અપહ્યતયુવકના કાકા